Ambalal patel : ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, હવે હવામાન વિભાગ અને આગાહીકારોની નવી આગાહી સામે આવી છે.

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, હવે હવામાન વિભાગ અને આગાહીકારોની નવી આગાહી સામે આવી છે. આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 23થી 27 જુલાઇ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે.
વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન
ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલે 23 જુલાઈથી 27 જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉત્તર ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ આગામી દિવસોમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે
સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો રાજકોટ, સુરેંદ્રનગર, ભાવનગર, ચોટીલા, થાનમાં ભારે વરસાદનું અનુમાન છે. અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે છે અને આ સમયમાં વરસાદ વરસશે.26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. આ ઉપરાંત 6થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ સમય દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે. અંબાલાલે નદીના જળસ્તરને ભયજનક સપાટીથી વહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ભારે વરસાદથી નર્મદા નદીના જળસ્તર વધશે. સાબરમતી, મહીસાગર નદીનું જળસ્તર પણ વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાય વિસ્તારોમાં આગામી 26 થી 30 જુલાઇ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ વાત છે કે, ગુજરાત પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર રીએન્ટ્રી કરી છે, કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરીથી જામ્યો છે. તાજેતરમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સરસ્વતી તાલુકામાં ખાબક્યો છે. રાજ્યમાં 14 જુલાઇએ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 13 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જુલાઈના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મહેર વરસાવી છે. કુલ 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
નર્મદાના ડેડિયાપાડામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ અને જાંબુઘોડામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ વઘઈ, વાલિયા, પારડી અને પાટણ તાલુકાઓમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.





















