Ambalal patel: સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની આગાહી,જાણો ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પર ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પર ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
23થી 26 માં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. તારીખ 23થી 26 માં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27 અને 28 માં વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 21 ઓગસ્ટે સાજે વરસાદ થવાની શક્યતા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત, જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે, ત્યાં પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે, જેનાથી નર્મદા નદી બે કાંઠે થશે અને સરદાર સરોવરની સપાટીમાં વધારો થશે. દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેને કારણે માછીમારોને સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.





















