Amreli : 'તમારી વાડીમાં 2 મણ સોનું દટાયેલું છે, કાઢવા માટે વિધિ કરવી પડશે'
ડોકટર અને મળતીયા તમારી વાડીમાં બે મણ જેટલુ સોનું દટાયું છે, પરંતુ આ અસુરી ધન છે તેમ જણાવી વિધી કરવાના બહાને ખેડૂત પાસેથી રૂપિયા 40.75 લાખની રકમ પડાવી રફુચક્કર થઇ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
અમરેલીઃ બગસરાના ખેડૂતની જમીનમાં 2 મણ સોનુ કાઢી આપવાંની વિધિના બહાને 40 લાખથી વધુની રકમની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. 2018થી 2020 સુધીમાં અલગ-અલગ રીતે 40 લાખથી વધુની રકમ પડાવાઈ. ખેડૂતને લાલચમાં પાડવા પીળી ધાતુની ઘડો પણ જમીનમાંથી કાઢવામાં આવ્યો.
દેશી દવા કરતો એક વ્યક્તિ સહિત અન્ય શખ્સ સામે ફરિયાદ નોંધાઈ. બગસરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવાઈ. પોલીસે ફરિયાદ નોંધાતા આગળની તપાસ શરૂ કરી છે. દેશી દવા કરતા એક કહેવાતા ડોકટર અને તેના મળતીયા ફકિરે તમારી વાડીમાં બે મણ જેટલુ સોનું દટાયું છે પરંતુ આ અસુરી ધન છે તેમ જણાવી વિધી કરવાના બહાને કટકે કટકે આ ખેડૂત પાસેથી રૂપિયા 40.75 લાખની રકમ પડાવી બંને રફુચક્કર થઇ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ગોકુળપરામા રહેતા કાનજીભાઇ હરીભાઇ દોંગા (ઉ.વ.68) સાથે છેતરપીંડી થઇ હતી. પત્ની મુકતાબેનને સારવાર માટે ધારી સરસીયા રોડ પર દેશી દવાનુ કામ કરતા ડોકટર હારૂનશા પાસે ગયા હતા. તેમણે વૃદ્ધ પાણીનો ડાર જોવરાવવા હોય તો મને કહેજો તેમ કહ્યું હતું. વાડીમા પાણી ઓછું હોય અને ડાર કરાવવાનો હોવાથી પાણી જોવડાવવા માટે હારૂનશા કમાલશા પઠાણ અન્ય એક શખ્સને વાડીએ બોલાવ્યા હતા. આ સમયે તેમણે વૃદ્ધને કહ્યું કે, તમારી જમીનમા ઘણુ ધન છે. જેને વિધી કરી બહાર કાઢવુ પડે.
થોડા દિવસ પછી ઇમ્તીયાઝબાપુ નામના ફકિર સાથે ડોક્ટર તેની વાડીએ પહોંચ્યા હતા અને ઓરડી પાસે ખાડો કરાવી એક ગાગર ભરાય તેટલા સોનેરી કલરના રાણી સિક્કા નીકળ્યા હતા. આ સિક્કા પર ફકિરના કહેવા પર પાણી નાખતા તેમાથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આથી ફકિરે આ આસુરી માયા છે, તેમ કહ્યું હતું અને સુરી વિધિ કરવાનું કહ્યું હતું. તેમજ વિધિના 11 હજાર રૂપિયા લીધા હતા.
આ પછી ડોક્ટર હારુનશાએ વૃદ્ધને તમારી જમીનમા બે મણ જેટલુ સોનુ છે. જેને શુધ્ધ કરવા મોટુ રોકાણ કરવુ પડશે, તેમ કહ્યું હતું. આમ કહી ખેડૂત સહિત તમામ લોકો આની વિધી કરવા ખાંભાના રાયડી મુકામે અવાવરૂ જગ્યાએ ઇમ્તીયાઝને મળ્યાં હતા. અહીં વિધિ માટે ખેડૂતે 20 લાખ રૂપિયા આપ્યા હતા.
જોકે, 20 લાખ રૂપિયા લીધા પછી આ ટોળકીએ વિધિની વસ્તુ ખોવાઇ ગઈ હોવાનું અને બીજા બહાના બતાવી વધુ 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ખેડૂતો આ ટોળકીને રૂપિયા આપવા માટે દાગીનિા અને હાથ પરની રોકડ રકમ તેમજ ઉછીના રૂપિયા આપીને 40.75 લાખ રૂપિયા આ શખ્સોને આપ્યા હતા. જોકે, હવે છેતરપીંડી થયાનુ સમજાતા તેમણે આ અંગે બગસરા પોલીસમાં ઇમ્તીયાઝ અને હારૂન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે.