શાળાના સમયે જ ચાલતા કોચિંગ ક્લાસ બન્યા બેફામ, સરકાર જો કાર્યવાહી નહીં કરે તો AAP કરશે તાળાબંધી
ગરીબ વિદ્યાર્થીઓને નુકસાન થતુ હોવાથી કાનૂની કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. ખોટી હાજરી પૂરનાર શાળાના સંચાલકો વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થાય તેવી ચર્ચા પણ વાલીઓમાં ચાલી રહી છે.
એબીપી અસ્મિતા છેલ્લા કેટલાય સમયથી શાળામાં વિદ્યાર્થીઓની ખોટી હાજરીને લઈને અલગ અલગ અહેવાલ પ્રસારીત કરી રહ્યું છે, ત્યારે ખાનગી કોચિંગ ક્લાસ વિરૂદ્ધ રાજ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી છે. શાળાના સમયે જ ચાલતા કોચિંગ ક્લાસ બેફામ બની રહ્યા છે.
કોચિંગ ક્લાસના કર્મચારીઓ બેલગામ અને બેફામ બની ગયા છે. અમારા સંવાદદાતા અમદાવાદના મણીનગરના એલન કોચિંગ ક્લાસ પર પહોંચ્યા હતા. જ્યાં એલનના કર્મચારીએ સંવાદદાતા સાથે બેહુદુ વર્તન કર્યુ હતું. કોચિંગ ક્લાસનો કર્મચારી શિક્ષણ શાસ્ત્રી નહીં પણ ગુંડા જેવુ વર્તન કરવા લાગ્યો હતો. પાપ ખુલ્લુ પડતા જ કોચિંગ ક્લાસના કર્મચારીએ પિત્તો ગુમાવીને ગેરવર્તન અને ગુંડાગર્દી પર ઉતરી આવ્યો હતો.
શિક્ષણ વિભાગની મિલિભગતથી કોચિંગ ક્લાસ બેફામ બન્યા છે. કોચિંગમાં જતા વિદ્યાર્થીઓની શાળામાં ખોટી હાજરી ભરાય છે. વિદ્યાર્થી કોચિંગ ક્લાસમાં હોય અને શાળામાં એમની હાજરી આપમેળે ભરાઈ જાય છે. આ બધુ જ જાણતા હોવા છતા શિક્ષણ સચિવ જાણી જોઈને સંપૂર્ણ રીતે બેદરકાર જોવા મળી રહ્યા છે.
આવી ઘટના બાદ કેટલાક વાલીઓ આ જ મુદ્દે કાનૂની કાર્યવાહીના મૂડમાં છે. ગરીબ વિદ્યાર્થીઓને નુકસાન થતુ હોવાથી કાનૂની કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. ખોટી હાજરી પૂરનાર શાળાના સંચાલકો વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થાય તેવી ચર્ચા પણ વાલીઓમાં ચાલી રહી છે.
બીજી બાજુ શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓને લઈને AAP આક્રમક મૂડમાં છે. મોટા શહેરોમાં કોચિંગ ક્લાસિસનો રાફડો ફાટ્યો છે. સરકાર જો કાર્યવાહી નહીં કરે તો AAP કરશે તાળાબંધી. 15 દિવસ બાદ AAP કરશે કોચિંગ ક્લાસિસની તાળાબંધી. શિક્ષણ માફિયા શિક્ષણની વ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા છે.