LIC કેસમાં ચુકાદો, મૃતક કર્મચારીના પરિવારને આર્થિક લાભ મળ્યા હોય તો રહેમરાહે નોકરીનો હક નહીં: ગુજરાત હાઇકોર્ટ
હાઇકોર્ટે અરજદાર માતાના અરજી કરવાના અધિકારક્ષેત્ર (લોકસ સ્ટેન્ડાઇ) પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે રહેમરાહે નિમણૂંકની નીતિનો હેતુ મૃત્યુ પામેલા કર્મચારીના શોકગ્રસ્ત પરિવારને તાત્કાલિક રાહત આપવાનો છે, અને આ નીતિનો દૂરુપયોગ કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ નહીં. હાઇકોર્ટે પ્રતિષ્ઠિત વીમા કંપની એલઆઇસીના એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ વર્ગ-૧ના એક મૃતક અધિકારીની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં આ ચુકાદો આપ્યો હતો. અરજદારે તેમના પુત્ર માટે રહેમરાહે નોકરીની માંગણી કરી હતી, પરંતુ એલઆઇસી સત્તાવાળાઓએ પરિવારને મળેલા લાભોને ધ્યાનમાં રાખીને અરજી નામંજૂર કરી હતી.
હાઇકોર્ટે અરજદાર માતાના અરજી કરવાના અધિકારક્ષેત્ર (લોકસ સ્ટેન્ડાઇ) પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે શરૂઆતમાં વિધવા માતાને રૃ.૫૦ હજારનો દંડ ફટકારવાની ચીમકી પણ આપી હતી, પરંતુ રહેમરાહે નોકરીની યોજનાના પરોપકારી સ્વભાવ અને અરજદાર માતાનો હેતુ માત્ર પુત્રને નોકરી અપાવવાનો હોવાથી દંડ લાદવાનું ટાળ્યું હતું.
ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર માતાએ પોતાના પુખ્ત વયના પુત્ર માટે રહેમરાહે નિમણૂંક માટે અરજી કરી છે. જો કે, પુત્ર પોતે પુખ્ત હોવાથી તેણે એલઆઇસીમાં કોઈ અરજી કરી નથી, કે ન તો તેણે એલઆઇસીના નિમણૂંક ન આપવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પુત્ર પુખ્ત હોવાથી અરજદાર માતાને તેના પુત્ર માટે રહેમરાહે નિમણૂંકની અરજી કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. આથી, કોર્ટે આ રિટ અરજીને ફગાવી દેવાનો આદેશ કર્યો હતો.
આરજદાર માતાએ પોતાની અરજીમાં રજૂઆત કરી હતી કે, તેમના પતિ એલઆઇસીમાં વર્ગ-૧ અધિકારી તરીકે કાર્યરત હતા, અને ફરજ દરમિયાન ગત તા. ૧૭-૮-૨૦૨૨ ના રોજ તેમનું દુઃખદ અવસાન થયું હતું. જેના પગલે, અરજદારે તેમના પુત્રને એલઆઇસીની રહેમરાહે નિમણૂંક યોજના હેઠળ નોકરી અપાવવા માટે એલઆઇસીમાં અરજી કરી હતી. પરંતુ એલઆઇસી સત્તાવાળાઓએ પરિવારને મળેલા આર્થિક લાભોને ધ્યાનમાં લઈને તેમની અરજી તા. ૧-૧૨-૨૦૨૨ ના રોજ નામંજૂર કરી હતી. અરજદારે આ નિર્ણય સામે પુનર્વિચારણા અરજી કરી, જે પણ તા. ૨૮-૧૨-૨૦૨૨ ના રોજ નામંજૂર કરવામાં આવી હતી. આથી, અરજદારે પુત્રને રહેમરાહે નિમણૂંક અપાવવા માટે હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવાની ફરજ પડી હતી.
એલઆઇસી તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, અરજદારના પરિવારને કંપની તરફથી પેન્શન સહિતના તમામ આર્થિક લાભો ચૂકવવામાં આવ્યા છે. સ્વર્ગસ્થ કર્મચારીના નિધન બાદ પરિવારને ટર્મિનલ બેનિફિટ પેટે રૃ. ૧ કરોડ, ૮૫ લાખની માતબર રકમ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, અરજદારને માસિક રૃ. ૪૫ હજાર જેટલું પેન્શન અને તેમની પુત્રીને સ્ટાઇપેન્ડ પેટે રૃ. ૮૪ હજાર ચૂકવવામાં આવી રહ્યા છે. એલઆઇસીએ કોર્ટને જણાવ્યું હતું કે, આવી આર્થિક સધ્ધરતા ધરાવતો પરિવાર આર્થિક મુશ્કેલીમાં છે તેમ કહી શકાય નહીં અને તેથી રહેમરાહે નિમણૂંક માટે તેઓ પાત્ર નથી.
આ પણ વાંચો....
આ સ્વામિનારાયણના સાધુ નહીં સુધરે! સગીર સાથે અકુદરતી કૃત્ય કરતો સાધુ વાયરલ વિડિયોમાં કેદ





















