પોલીસ ગ્રેડ પેને લઈ રાજ્ય પોલીસ વડાની પ્રેસ કૉન્ફરન્સ, પાંચ સભ્યોની સમિતિ બનાવાઈ
પોલીસ ગ્રેડ પેને લઈને થઈ રહેલા આંદોલન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા પ્રેસ કૉન્ફ્રરન્સ કરવામાં આવી છે.
ગાંધીનગર: પોલીસ ગ્રેડ પેને લઈને થઈ રહેલા આંદોલન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા પ્રેસ કૉન્ફ્રરન્સ કરવામાં આવી છે. રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયા દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે. પોલીસના પ્રશ્નોના ઉકેલ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે. સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ મૂકવાના ચાર કેસ દાખલ કરાયા છે. શિસ્ત વિરુદ્ધની પ્રવૃતિ ન કરવા ડીજીપીએ અપીલ કરી છે.
નોંધનીય છે કે, ગ્રેડ પેને લઈને પોલીસ પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આજે પોલીસ પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત પછી પોલીસ પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર અમારી માંગોને લઈને હકારાત્મક છે. હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે, સારો નિર્ણય આવશે.
રાજ્ય સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે જે પાંચ સભ્યોની કમિટી રચવામા આવી છે તે પોલીસ પરિવારે રજૂ કરેલા તમામ મુદ્દાઓનો અભ્યાસ કરશે. રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ કહ્યું હતું કે, પોલીસ પરિવાર અરજી કે રજૂઆત કરશે તો તેને કમિટી દ્વારા સાંભળવામા આવશે. રાજ્ય સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામા આવી છે તે ક્યાં સુધીમાં તપાસ રિપોર્ટ આપશે તે અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરાઈ નથી. જો કે, રાજ્ય પોલીસ વડાએ કહ્યું હતું કે, કમિટી વહેલામાં વહેલી તકે સમગ્ર મામલાનો અભ્યાસ કરી રિપોર્ટ તૈયાર કરશે.
પોલીસ ગ્રેડ પે મામલે જે પાંચ સભ્યોની કમિટી રચવાની જાહેરાત કરવામા આવી છે. તેમાં અધ્યક્ષ તરીકે પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) બ્રજેશ કુમાર ઝા, સભ્ય તરીકે નાણા વિભાગના સચિવ, સભ્ય તરીકે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ, સભ્ય તરીકે ગૃહ વિભાગના નાયબ સચિવ જીગર પટેલ અને સભ્ય સચિવ તરીકે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી કચેરીના મુખ્ય હિસાબી અધિકારીનો સમાવેશ કરવામા આવ્યો છે.