News: ખંભાળિયા તા.પં.ના પ્રમુખ પદ માટે 95 લાખ રૂપિયા ખર્ચાયાના દાવાથી ખળભળાટ, ભાજપ નેતાનો વીડિયો વાયરલ
દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી, આ મામલે ભાજપ નેતા અને ઉપપ્રમુખ બહાદુર સિંહ વાઢેરનો એક વીડિયો બહાર આવ્યો છે
Panchayat Pramukh: તાજેતરમાં રાજ્યની કેટલીક તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, અઢી વર્ષની ટર્મ માટે સત્તાધારી પક્ષે કેટેગરી પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખને બેસાડ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકા પંચાયત વિવાદોમાં ઘેરાઇ છે, ખંભાળિયા તાલુકા પંચાયતમાં પ્રમુખપદ માટે લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવાની વાતે જોર પકડ્યુ છે. ખાસ વાત છે કે, ભાજપ નેતાએ જ આ દાવો કર્યો છે.
દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી, આ દરમિયાન એક વિવાદે જોર પકડ્યુ છે. આ મામલે ભાજપ નેતા અને ઉપપ્રમુખ બહાદુર સિંહ વાઢેરનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે 95 લાખ રૂપિયા ખર્ચાયા છે. ભાજપ નેતાના જ દાવાથી હવે નિયુક્તિને લઇને મોટા વિવાદના એંધાઇ દેખાઇ રહ્યાં છે.
ખંભાળિયા તાલુકા પંચાયતમાં અત્યારે કુલ સભ્ય સંખ્યા 24 ઉમેદવારોની છે, જેમાં પંચાયતમાં ભાજપના 13 સભ્યો છે, જ્યારે કોંગ્રેસના 9 સભ્યો છે, આ ઉપરાંત 1 આપ અને 1 અપક્ષ સભ્ય છે.
મહત્વનું છે, આ સમગ્ર મામલો વિવાદ પકડતાં બહાદુરસિંહ વાઢેરે સ્પષ્ટતા કરીને આ તમામ વાતોને નકારી કાઢી હતી, તેમને જણાવ્યુ હતુ કે, આ વાત મારાથી ભૂલથી બોલાઇ ગઇ હતી અને એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે.
હેતલબેન ઠાકોરને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવાયા
24 વર્ષીય ઓબીસી મહિલા ઉમેદવાર હેતલબેન ઠાકોરને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવાયા હતા. પાટણ જિલ્લા પંચાતના શિક્ષિત મહિલા ઉમેદવાર અભ્યાસમાં માસ્ટરની ડિગ્રી ધરાવે છે. ઉપપ્રમુખ તરીકે ગોવિંદ ભાઈ માલધારીની વરણી કરાઇ હતી.
કચ્છની તમામ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો
લખપત તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપે લખપત તાલુકા પંચાયત કૉંગ્રેસ પાસેથી છીનવી હતી. કચ્છની તમામ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો.
મહેસાણા નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
મહેસાણા નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે ડોક્ટર મિહિર પટેલની પસંદગી કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે રંજનબેન પ્રજાપતિની પસંદગી કરાઇ હતી. મહેસાણા નગરપાલિકાના કારોબારી ચેયરમેન પદે દિપક પટેલ, પક્ષના નેતા તરીકે સોનિયાબેન શાહની પસંદગી કરાઇ હતી.
નર્મદા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ
નર્મદા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ હતી. ધર્મિષ્ઠાબેન પટેલ નર્મદા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. જ્યારે ગિરીરાજ ખેરની નર્મદા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરણી કરાઇ હતી.
બારડોલી નગરપાલિકાના પ્રમુખની વરણી કરાઇ
બારડોલી નગરપાલિકાના પ્રમુખની વરણી કરાઇ હતી. બારડોલી નગરપાલિકાના પ્રમુખ પદે ધર્મેશ પટેલની તો ઉપપ્રમુખપદે વિજય પટેલની વરણી કરાઇ હતી. તે સિવાય બારડોલી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષપદે જગદીશ પાટીલની વરણી કરાઇ હતી. પક્ષના નેતા તરીકે રશ્મીબેન ભટ્ટ અને દંડક તરીકે શૈલેષ ગામીતની વરણી કરાઇ હતી.
વડોદરાની વાઘોડીયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ
વડોદરાની વાઘોડીયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ હતી. વાઘોડીયા તાલુકા પંચાયતના પ્રમુખપદે યોગેશ પટેલનું નામ જાહેર કરાયુ તો ઉપપ્રમુખ પદે અંકિત પરમારની વરણી કરાઇ હતી. વાઘોડીયા તાલુકા પંચાયતના કારોબારી સભ્યપદે પ્રમોદ ચાવડા તો પક્ષના નેતા તરીકે મગન નાયકાનું નામ જાહેર કરાયુ હતું. જ્યારે વાઘોડીયા તાલુકા પંચાયતમાં દંડક તરીકે શોભનાબેન જોશીની વરણી કરાઇ હતી.