ગુજરાતમાં ફેક્ટરીના નિયમો બદલાયા, નવા કાયદામાં હવે 12 કલાકની શિફ્ટ અને ઓવરટાઇમની લિમિટમાં પણ ફેરફાર
જે કામદારો 4 દિવસ સુધી દરરોજ 12 કલાક કામ કરે છે, તેમને 5મા અને 6ઠ્ઠા દિવસે પગાર સાથેની રજા આપવાની રહેશે.

gujarat factory rules change: ગુજરાત સરકારે 'કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025' વિધાનસભા ગૃહમાં પસાર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ કાયદા હેઠળ હવે રાજ્યમાં મહિલા શ્રમયોગીઓ તેમની સંમતિ અને સલામતીની શરતોને આધીન રાત્રિપાળીમાં પણ કામ કરી શકશે. આ સુધારો મહિલાઓને સમાનતા અને આર્થિક ઉપાર્જન માટે વધુ તકો પૂરી પાડશે. આ ઉપરાંત, નવા નિયમ મુજબ કામના કલાકો અને ઓવરટાઈમ માં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગ આપવાનો છે.
મહિલાઓ માટે રાત્રિપાળીમાં કામ કરવાની કાયદેસરની તક
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આ વિધેયકનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસમાં નારી શક્તિ ની ભાગીદારીને વધારવાનો છે. આ કાયદા પહેલાં મહિલાઓ માટે રાત્રિપાળીમાં કામ કરવાની કાયદેસર જોગવાઈ નહોતી. જોકે, ગુજરાત ન્યાયાલયના નિર્દેશોને ધ્યાનમાં રાખીને અને મહિલાઓના બંધારણીય અધિકારોનું સન્માન કરતાં આ જોગવાઈ ઉમેરવામાં આવી છે. તેનાથી મહિલાઓ રાત્રિ દરમિયાન પણ સલામત વાતાવરણમાં કામ કરીને આર્થિક રીતે સક્ષમ બની શકશે અને તેમના પરિવાર માટે પણ દિવસ દરમિયાન વધુ સમય ફાળવી શકશે.
કામના કલાકો અને ઓવરટાઇમ સંબંધિત મુખ્ય જોગવાઈઓ
આ સુધારા વિધેયક દ્વારા કારખાના ધારા, 1948 ની કુલ 6 કલમોમાં ફેરફાર સૂચવાયા છે:
- રોજના 12 કલાકની શિફ્ટ: નવા નિયમ મુજબ, કામદારો વિરામ સાથે રોજના મહત્તમ 12 કલાક કામ કરી શકશે, પરંતુ અઠવાડિયાના કુલ કામના કલાકો 48 થી વધુ હોઈ શકશે નહીં.
- વિરામ: શ્રમિકને દર 6 કલાક બાદ ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ છે.
- વેતન સાથે રજા: જે કામદારો 4 દિવસ સુધી દરરોજ 12 કલાક કામ કરે છે, તેમને 5મા અને 6ઠ્ઠા દિવસે પગાર સાથેની રજા આપવાની રહેશે.
- ઓવરટાઈમ: ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન પૂર્વ મંજૂરી સાથે મહત્તમ 125 કલાક સુધીનો ઓવરટાઈમ કરી શકાશે, જે પહેલાં કરતા વધુ છે.
સરકારનો ઉદ્દેશ્ય: ઔદ્યોગિક વિકાસ અને શ્રમિક હિતોનું રક્ષણ
મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો અને નવા ઉદ્યોગોને આકર્ષવાનો છે. આ કાયદા દ્વારા ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે, જે રોજગારી નું સર્જન કરશે. આ તમામ જોગવાઈઓ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને જ અમલમાં આવશે અને સરકાર પાસે આ મંજૂરી પરત ખેંચવાનો અધિકાર રહેશે. આ સુધારાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 'આત્મનિર્ભર ભારત' ના સંકલ્પને સાકાર કરવામાં પણ મદદ કરશે. આ કાયદો શ્રમિકોના કલ્યાણની સાથે-સાથે રાજ્યની આર્થિક વૃદ્ધિ માટે પણ અગ્રસર રહેશે.





















