Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 21 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણમાં નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.
સૂત્રાપાડામાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
ગીર સોમનાથ તાલુકાના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન એટલે કે બે જ કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં કૂલ 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ તો જાણે બેટમાં ફેરવાયું હતું. અહીંના કોળીવાડા વિસ્તારમાં તો 30થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.આ ઉપરાંત અનેક નાના-મોટા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસતા વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રી દરમિયાન મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.





















