Gujarat વિધાનસભા ચૂંટણીમાં ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપવા અંગે આ નિયમ લાગુ પડશે
ચૂંટણી પંચે સોમવારે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEOs) અને કાયદા અમલીકરણ અધિકારીઓ (Police) સાથે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટેની તૈયારીઓની સ્થિતિ જાણવા માટે બેઠક યોજી હતી.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ 4.83 કરોડ નોંધાયેલા મતદારો છે. 182 વિધાનસભા મતવિસ્તારોમાં 51,782 મતદાન મથકો બનાવવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, જો કોઈ રાજકીય પક્ષ ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે, તો તેઓએ જણાવવું પડશે કે, આવા ઉમેદવારોને પસંદ કરવા માટે તેમને શું મજબૂરી હતી?
ત્રણ વખત જાહેરાત કરવી પડશે:
જે રાજકિય પાર્ટીઓ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપશે તેમણે આ વાત તેમના સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં જણાવવી પડશે. CEC રાજીવ કુમારે કહ્યું કે, "આવા ઉમેદવારોએ તેમના ગુનાહિત રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે જેથી નાગરિકો મત કોને આપવો તે અંગે નિર્ણય લઈ શકે." તમને જણાવી દઈએ કે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI)ના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ગુજરાતમાં આગામી બે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા સોમવારે બે દિવસની મુલાકાતે ગુજરાત આવી છે.
પંચે અનેક બેઠકો યોજી હતી
કમિશને સોમવારે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEOs) અને કાયદા અમલીકરણ અધિકારીઓ (Police) સાથે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટેની તૈયારીઓની સ્થિતિ જાણવા માટે બેઠક યોજી હતી. સામાન્ય રીતે, રાજ્યમાં ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલાં, ઈલેક્શન કમિશનના ઉચ્ચ અધિકારીઓ તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યની મુલાકાત લેતા હોય છે. રાજ્યના અધિકારીઓ ઉપરાંત, ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ રાજ્યની વિધાનસભા ચૂંટણીના આચરણ અંગે તેમના સૂચનો આપવા માટે ECI ટીમને મળ્યા હતા.
આ પણ વાંચો.....