કોરોનાગ્રસ્ત દર્દીઓને રૂપાણી સરકારે શું આપી મોટી રાહત ? જાણો વિગત
સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ભયનજક રીતે વધી રહ્યું છે. મોટાભાગના શહેરોમાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. જોકે આ દરમિયાન રૂપાણી સરકારે કોરનાની સારવાર કરાવતાં દર્દીઓને મોટી રાહત આપી છે. હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં સરકારે 15 એપ્રિલે આપેલા સોગંધનામામાં જણાવ્યું હતું કે, માં વાત્સલ્ય કાર્ડ (maa amrutam card) અને આયુષ્યમાન ભારત કાર્ડમાં (ayushman bharat card) કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
15મી એપ્રિલે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ સામેલ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે.
રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,08,994 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,61,550 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,01,70,544 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.