IPS વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન: ગુજરાતના DGP તરીકે આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે
આજે વયનિવૃત્ત થવાના હતા 1989 બેચના IPS અધિકારી, સરકારે મહત્વનો નિર્ણય લીધો.

Gujarat DGP vikas sahay: ગુજરાતના વર્તમાન પોલીસવડા (DGP) આઈપીએસ વિકાસ સહાયને રાજ્ય સરકારે છ મહિનાનું એક્સટેન્શન આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. 1989 બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાય આજે (જૂન 30, 2025) વયનિવૃત્ત થવાના હતા, ત્યારે આ એક્સટેન્શનના નિર્ણયથી તેઓ આગામી છ મહિના સુધી ગુજરાતના DGP પદ પર યથાવત રહેશે.
આ અગાઉ વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી હતી. ભૂતકાળમાં પણ ગુજરાતમાં કેટલાક DGP અધિકારીઓને એક્સટેન્શન મળ્યા હોવાના દાખલા છે.
આ એક્સટેન્શનના કારણે રાજ્યના નવા પોલીસવડા કોણ બનશે તે અંગે ચાલી રહેલી અટકળો પર હાલ પૂરતો વિરામ મુકાઈ ગયો છે. વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ દળ આગામી છ મહિના સુધી તેમની કામગીરી ચાલુ રાખશે.

આખો દિવસ નવા DGP ને લઈને ચર્ચાઓ ચાલી
વિકાસ સહાય આજે નિવૃત થવાના હોઈ નવા ડીજીપી આવશે કે પછી એક્સટેન્શન મળશે તેવી આખો દિવસ ચર્ચાઓ ચાલી હતી. એટલું જ નહીં ગુજરાતના પોલીસ વડા (DGP) IPS વિકાસ સહાય આજે તેમની નોકરીના છેલ્લા દિવસે રોજની જેમ ઓફિસે આવ્યા હતા, પરંતુ તેમનો વિદાય સમારંભ એક અણધારી સ્થિતિમાં અટકી પડ્યો હતો. પોલીસ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઑનર સાથે વિદાય આપવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી – પોલીસ બેન્ડ, શણગારેલી જીપ્સી અને અધિકારીઓ-કર્મચારીઓને છેલ્લું સંબોધન કરવા માટે સામિયાનો પણ બંધાઈ ગયો હતો. જોકે, દિવસભર ચાલેલી એક્સટેન્શનની અટકળો વચ્ચે કોઈ સત્તાવાર આદેશ ન આવતા, વિદાય સમારંભ રદ કરવો પડ્યો હતો.
આજે બપોરથી જ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે સરકારે વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન આપવાનું નક્કી કર્યું છે. આ ચર્ચા મોડી સાંજ સુધી, લગભગ સાંજના 7 કલાક સુધી ચાલુ રહી હતી. ટેકનિકલી, સાંજે 6:10 કલાકે વિકાસ સહાય નિવૃત્ત થાય અને તેમનો વિદાય સમારંભ યોજાય, પરંતુ વાસ્તવિકતામાં ન તો તેમને વિદાય અપાઈ કે ન તો તેમના એક્સટેન્શનનો કોઈ લેટર આવ્યો.
છેવટે, વિકાસ સહાયને વિદાય આપવા માટે આવેલા સ્ટાફ પોલીસ ભવનમાંથી રવાના થયા, બાદમાં અન્ય અધિકારીઓ રવાના થયા અને તે જ ક્રમમાં વિકાસ સહાય પણ ઓફિસેથી નીકળી ગયા. ઓફિસ છોડતી વખતે, વિકાસ સહાય ફક્ત એટલું જ બોલતા ગયા કે, "ઓર્ડરની રાહ જોઈએ."
આ ઘટનાક્રમ ગુજરાત પોલીસ દળમાં દિવસભર ચર્ચાનો વિષય રહ્યો હતો. હવે જોવાનું રહેશે કે સરકાર દ્વારા વિકાસ સહાયના એક્સટેન્શન અંગેનો સત્તાવાર આદેશ ક્યારે જાહેર કરવામાં આવે છે. જોકે રાત પડતા જ સરકારે 6 મહિના માટેના એક્સટેન્શનની જાહેરાત કરી છે.





















