Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
IMD એ જણાવ્યું છે કે, "2-4 મે દરમિયાન પશ્ચિમ હિમાલયન પ્રદેશમાં વાવાઝોડા/વીજળી સાથે હળવો/મધ્યમ વરસાદ થવાની સંભાવના છે."
IMD Alert Heatwave: દેશમાં વધતી ગરમી વચ્ચે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સહિત ઉત્તર પશ્ચિમ ભારતના પાંચ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આઈએમડીના વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું કે બુધવારે દેશના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. તેમણે કહ્યું, "આને ધ્યાનમાં રાખીને, અમે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે."
ગેનામણીએ વધુમાં જણાવ્યું હતું કે મેના પ્રથમ સપ્તાહ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદની શક્યતા વધી શકે છે. એક સૂચનમાં કહેવામાં આવ્યું છે કે તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર પશ્ચિમ ભારત 2 મેથી પ્રભાવિત થવાની સંભાવના છે.
IMD એ જણાવ્યું છે કે, "2-4 મે દરમિયાન પશ્ચિમ હિમાલયન પ્રદેશમાં વાવાઝોડા/વીજળી સાથે હળવો/મધ્યમ વરસાદ થવાની સંભાવના છે." ગેનામણીએ કહ્યું કે, "આના કારણે, 3જી અને 4થી મે દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો પર છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે."
IMD એ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં તેમજ આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ વિશે માહિતી આપી છે.
ગુજરાતમાં એલર્ટ
હજુ તો મે મહિનો બાકી છે. એ પહેલા જ રાજ્યમાં ગરમીએ એપ્રિલ મહિનામાં ગરમી નવા નવા રેકોર્ડ તાડી રહી છે. ગુરૂવારે રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં 44.4 ડિગ્રી સાથે છેલ્લા દસ વર્ષમાં એપ્રિલ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી.
આ વખતે એપ્રિલ મહિનામાં જ ત્રીજી વખત ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં ત્રણ અને ચાર મે દરમિયાન ગરમીમાં સાધારણ ઘટાડો અનુભવાશે. જો કે ત્યારબાદ ફરીથી ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.
ગાંધીનગરમાં પણ છેલ્લા દસ વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધુ ગરમીનો નવો રેકોર્ડ નોંધાયો હતો. સુરતમાં પણ એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો હોય તેવુ બે વર્ષમાં પ્રથમવાર બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચાર પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે.
ગુરૂવારે રાજ્યના શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમદાવાદમાં 44.4 ડિગ્રી તાપમાનથી અમદાવાદની જનતા ત્રાહિમામ પોકારી હતી. પાટનગર ગાંધીનગર અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો. સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી, વડોદરામાં ગરમીનો પારો 43.6 ડિગ્રી પર પહોંચી ગયો હતો.
રાજકોટમાં ગરમીનું 43.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. કેશોદમાં ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો સુરત, ભાવનગર, ભૂજ અને ડિસામાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો હતો. વલ્લભવિદ્યાનગરમાં પણ ગરમીનો પારો 41.6 ડિગ્રી પર પહોંચ્યો હતો.