Gujarat Rain: આગામી 5 દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો આજે ક્યાં પડશે
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

અમદાવાદ: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે.
મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સમય દરમિયાન 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર,પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે માછીમારોને 24 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ જેટલો અને ધરમપૂર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.





















