Banaskantha Rain: દાંતા તાલુકામાં આભ ફાટ્યું, ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.બનાસકાંઠાના દાંતા તાલુકામાં આભ ફાટ્યું છે. અહીં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.
બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.બનાસકાંઠાના દાંતા તાલુકામાં આભ ફાટ્યું છે. અહીં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના નદી નાળાઓ પાણી-પાણી થયા છે. અર્જુની નદી સહિતના અનેક ગામોમાં પાણી ભરાયા છે. દાંતા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે. દાંતા તાલુકમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. અનેક નદીઓ પુનર્જીવિત થઈ છે. પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદના પગલે મોટાભાગના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. દાંતા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
દાંતામાં ભારે વરસાદ વરસતા ઠેર-ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાંતા સિવિલમાં ઘૂંટણસમા પાણી ભરાતા અનેક દર્દીઓને હાલાકી ભોગવવામાં વારો આવ્યો હતો. દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. હોસ્પિટલમાં વરસાદી પાણી આવતા સ્ટાફ દોડતો થયો હતો. હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે વહેલી સવારે દાંતામાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ અપાયું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નવસારી, વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, મોરબી, અમદાવાદ, કચ્છ, ગાંધીનગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઇ છે. આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. 7 જૂલાઈ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે.