Botad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદમાં તૂટી પડ્યો વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

બોટાદ: હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. બોટાદ શહેરના ભાવનગર રોડ પર સીતારામ નગર 2 માં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વરસાદ શરૂ થતાં યજ્ઞ બંધ કરવો પડ્યો હતો. બોટાદ શહેરના હવેલીચોક, દિનદયાળ ચોક, જ્યોતિ ગ્રામ સર્કલ, સ્વામિનારાયણ મંદિર રોડ સહિત ભાવનગર રોડ પર કમોસમી વરસાદ વરસ્યો છે. યજ્ઞ કુંડ સહિત પુજા થાળ પર પાણી પડતા આયોજક સહિત લોકો હેરાન થયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ
બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતિત કર્યા છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આવતીકાલથી વરસાદનું જોર ઘટશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય હોવાના કારણે ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે.
ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગયો છે. આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 9 મેના શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ આપ્યું છે.





















