Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ અને દિવમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ આજે સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.
જૂનાગઢના માળિયા હાટિના, માંગરોળ, કેશોદ, મેંદરડા, વિસાવદર અને ગીરના જંગલ વિસ્તારમાં સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. પ્રશાસને સલામતીના ભાગરૂપે લોકોને નદીના પટ વિસ્તારમાં આવન-જાવન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું, 11 ઈંચ વરસાદથી જળબંબાકાર
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના તલંગણામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે તલંગણા પાણી પાણી થયું છે. તલંગણામાં ઘરોમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે.
લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર લાઠ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.