ચોટીલામાં ડુંગર ઉપર કરા સાથે ધોધમાર વરસાદ, સાયલાના વાતાવરણમાં પલટો
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે ભરઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

સુરેન્દ્રનગર: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે ભરઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચોટીલા અને સાયલામાં વરસાદ વરસ્યો છે.
ચોટીલા ડુંગર ઉપર કરા સાથે વરસાદ
સાયલા અને ચોટીલા તાલુકામાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાયલા તાલુકામાં શિરવાણીયા, નોલી, સાગોઇ,ખીટલા, વાંટાવછ સહિતના આસપાસના ગામોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. જ્યારે ચોટીલાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ચોટીલા ડુંગર ઉપર કરા સાથેના વરસાદ ખાબકતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.
પાકને મોટા પ્રમાણમાં નુકશાન જવાની ભીતિ
કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ તલ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકશાન જવાની ભીતિ છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો છે.
સુરેન્દ્રનગરમાં ભારે પવનની ડમરીઓ ઉડી હતી. શહેરના જીનતાન રોડ પર પતરાનો શેડ વાગતા એક રાહદારી ઇજાગ્રસ્ત થયો છે. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તને ગાંધી હોસ્પિટલે લઈ જઈ સારવાર અપાવી હતી.
વીજ પુરવઠો ખોરવાયો હતો
લીંબડીના ચુડા પંથકમાં પણ ભારે પવનો ફુંકાયો હતો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમૂક વિસ્તારોમાં વીજ વાયરો તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પુરવઠો બંધ થતા નાગરિકો ગરમીમાં પરેશાન થયા હતા.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ
અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો.સમગ્ર ગુજરાતભરના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો. સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટના કુવાડવામાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકા પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.
બોટાદ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
બોટાદ તાલુકાના પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે.





















