અમરેલીના સાવરકુંડલામાં ઈંગોરિયા યુદ્ધ, વર્ષો જૂની પરંપરા યથાવત, શેરીઓ બની રણભૂમિનું મેદાન
દિવાળીની રાત્રે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગ્રામજનો વચ્ચે ઈંગોરિયા યુદ્ધ જામ્યું હતું

દિવાળીની રાત્રે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગ્રામજનો વચ્ચે ઈંગોરિયા યુદ્ધ જામ્યું હતું. દિવાળીની રાત્રે લોકોએ એકબીજા પર આગના છૂટા ગોળા ફેંક્યા હતા. વર્ષોથી ચાલતી ઈંગોરિયા યુદ્ધની આ પરંપરા આજે પણ અડિખમ છે. દેશભરમાં દિવાળીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા 150 વર્ષોથી ચાલી આવે છે અને આ ઈંગોરિયા યુદ્ધ સાવરકુંડલાની ઓળખ બની ગયું છે.

નાવલી નદીની બંને બાજુએ રહેતા યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર સળગતી આગ સમા ઈંગોરીયા ફેંકે છે. નાવલી નદી, મણીભાઈ ચોક , દેવળા ગેઈટ પાસે ઈંગોરીયાનું યુદ્ધ થાય છે. ગઈકાલે પણ આગના ગોળા એકબીજા પર ફેંકીને સાવરકુંડલાના લોકોએ મનભરીને આ રમતનો આનંદ માણ્યો હતો. મહિનાઓની મહેનત બાદ ઈંગોરિયામાં દારૂખાનું ભરી તૈયાર કરવામાં આવે છે.
હાલ ઈંગોરિયાના વૃક્ષો લુપ્ત થતાં કોકડાનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ યુવાનો ઇંગોરિયાના વૃક્ષમાંથી ઈગોરીયા તોડી લાવી વચ્ચેનો ભાગ કાઢી ખાલી ખોખા જેવા ઇંગોરિયામાં દારૂખાનું ભરતા હતા. પરંતુ હવે આ વૃક્ષો ઘટતા દોરીના ખાલી કોકડાનો ઉપયોગ કરવામાં આવે છે. દેખીતી રીતે જોખમી લાગતી આ રમત માટે યુવાનો મહિનાઓ પહેલાં ઈંગોરિયા અને કોકડા તૈયાર કરવામાં લાગી જતા હોય છે. નિર્દોષ ભારે રમાતી આ રમતમાં કોઈ વ્યક્તિ દાઝતું નથી. તેમ છતાં ફાયર વિભાગ સહિત ડોક્ટરો અને એમ્બયુલ્સોની ટીમો ખડેપગે રાખવામાં આવી હતી. લોકો નિર્દોષભાવ સાથે સામસામે એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે.
સાવરકુંડલામાં દુનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હાથે બનાવેલ હર્બલ ફટાકડા યુવાનો એક બીજા પર નિર્દોષ ભાવે ફેંકવામાં આવે છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આવેલ નાવલી નદીમાં આ ઇંગોરિયાનું યુદ્ધ જામતું હતું. હવે શહેરના દેવળાગેટ ચોકમાં આ રમત રમાય છે મોટી સંખ્યામાં રમતવીરો ભેગા થાય છે અને આ રમત ખેલ દિલીથી રમે છે. પરંપરાગત રમાતી ઈંગોરિયાની રમત રમવા અને જોવા દૂરદૂરથી લોકો દિવાળીની રાતે આવી જાય છે.
ઇંગોરિયાની રમત જોતા એવું લાગે છે કે એક બીજા દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. હકીકતમાં તો સાવરકુંડલાના ઇંગોરિયાના રમતવીરો એકબીજા ની ઉપર એક નિર્દોષ ભાવથી દિવાળીના રાત્રીએ હર્ષ અને ઉલ્લાસ સાથે આ રમત રમી અને દિવાળી મનાવે છે ત્યારે આ દિવાળીની રાતે ઇગોરીયાનું યુદ્ધ જોવું એ પણ એક લ્હાવો છે.




















