જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
રાજકોટમાં કથાકાર મોરારીબાપુએ સનાતન ધર્મ અને દેવી-દેવતાઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી, જલારામબાપા અને સાધુ જીવનના મૂલ્યોની વાત કરી.

Morari Bapu statement on Sanatan Dharma: પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ સનાતન ધર્મ પર થઈ રહેલા સતત પ્રહારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું કે સનાતન ધર્મ, દેવી-દેવતાઓ, સાધુ-સંતો અને ધાર્મિક ગ્રંથો પર ગણતરીપૂર્વક આક્રમણ થઈ રહ્યું છે.
મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી બોલતા જણાવ્યું, "સનાતન ધર્મ પર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. આપણા દેવી દેવતા માતાઓ ઉપર પ્રહારો થઈ રહ્યા છે. સાધુ સંતો આપણા ગ્રંથો ઉપર પણ પ્રહારો થાય છે. ગણતરી પૂર્વક ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે."
તેઓએ શ્રોતાઓને જાગૃત થવા માટે આહવાન કરતા કહ્યું કે, "વ્યાસ ગાદી લઈને ફરતો હોવાથી અરજ થાય છે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી મારે કોઈ લેવા દેવા નથી."
મોરારીબાપુએ સંત જલારામબાપા સાથેના પોતાના ચાર પેઢીના સંબંધોનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે જલારામબાપાને પણ નીચા દેખાડવાના પ્રયાસો થયા હતા. તેઓએ કલ્પના કરતા કહ્યું કે અમુક લોકો શું કરવા માગે છે.
તેઓએ વેશના સાધુ થવા કરતા મુક્તિના સાધુ થવાનું મહત્વ સમજાવ્યું. તેઓએ કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની માન્યતા અનુસાર દેવી-દેવતાઓને માની શકે છે, તેમાં કોઈ વાંધો નથી. સદાવ્રતનું મહત્વ સમજાવતા તેઓએ કહ્યું કે જેણે સદનું વ્રત લીધું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવશે.
મોરારીબાપુએ વિરપુરના જલારામબાપાના પરિવારને રામ પરિવાર ગણાવ્યો અને જણાવ્યું કે જલારામબાપાએ ભોજલારામ બાપા પાસે જ આશીર્વાદ માગ્યા હતા અને તેમના આશીર્વાદથી જ અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. જલારામબાપાના પરોપકારના કાર્યોનું વર્ણન કરતા તેઓએ ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા હોવાનો પ્રસંગ ટાંક્યો અને કહ્યું કે આવું કાર્ય કોઈ સામાન્ય વ્યક્તિ ના કરી શકે.
તેઓએ વીરપુરના જલારામબાપાના મંદિરમાં એક પણ રૂપિયાનું દાન ન લેવાતું હોવાનો ઉલ્લેખ કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું અને આવા સ્થળો દુર્લભ હોવાનું જણાવ્યું.
મોરારીબાપુએ જલારામબાપાના પરિવારે ટિપ્પણી મુદ્દે આપેલા નિવેદનમાં રહેલી સચ્ચાઈ અને ક્યાંય કટુતા ન હોવાની વાતને બિરદાવી, અને આવા ગુણો સાધુના ઘરને શોભે તેમ જણાવ્યું હતું.
મોરારીબાપુનું આ નિવેદન સનાતન ધર્મ પર થઈ રહેલા પ્રહારો અંગે ચિંતા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી આપવામાં આવ્યું હતું, જે તેમના અનુયાયીઓ અને ધર્મમાં વિશ્વાસ રાખતા લોકોમાં વિચારણા અને ચર્ચાનો વિષય બન્યું છે.
આ પણ વાંચો...
જ્ઞાન પ્રકાશ સ્વામીની જલારામબાપા પર ટિપ્પણીથી રઘુવંશી સમાજ લાલધૂમ, આવતીકાલે સમાજની બેઠક





















