(Source: ECI/ABP News/ABP Majha)
આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી
રાજ્યમાં સારા વરસાદ માટે રાહ જોવી પડશે. આગામી પાંચ સાત દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત હોવાની હવામાન વિભાગની આગાહી છે. ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
ગાંધીનગર: રાજ્યમાં સારા વરસાદ માટે રાહ જોવી પડશે. આગામી પાંચ સાત દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત હોવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે 4 અને 5 જુલાઈએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની તિવ્રતા વધે તેવી શક્યતા છે.
આગામી સમયમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના નહીંવત છે તો અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 જુલાઈ સુધી અમદાવાદમાં વરસાદ સંભાવના નહીંવત છે. આગામી પાંચ દિવસ સુધી સરેરાશ મહત્તમ તાપમાન 37-38 ડિગ્રીની આસપાસ રહેશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે. કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં 12.62 ટકા , ઉત્તર ગુજરાતમાં 12.81 ટકા,દક્ષિણ ગુજરાતમાં 16. 27 ટકા અને સૌરાષ્ટ્રમાં 12.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ચોમાસાની વચ્ચે ઉત્તર ભારતમાં હિટવેવ, દિલ્હીમાં 90 વર્ષ પછી જુલાઈમાં સૌથી વધુ ગરમી
ઉત્તર ભારતમાં ભારે તાપ અને ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સામાન્ય રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં દેશભરમાં વરસાદ ગરજતો હોય છે. તેના બદલે આકાશમાંથી અગનજ્વાળા વરસતા આખુ ઉત્તર ભારત ગરમીથી શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ એકાદ સપ્તાહ સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી.
ભારતીય હવામાન વિભાગ અનુસાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં આખા ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્લી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ઉંચો ગયો હતો. અને એપ્રિલ-મે મહિનામાં જેવી ગરમી પડતી હોય છે એવી ગરમી જુલાઈમાં અનુભવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો આખા ઉત્તર ભારતને ધમરોળી રહ્યો છે. અને તેના કારણે વાતાવરણમાં હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે.
ઉત્તર ભારતના સાત રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. લૂ અને ગરમીથી બેહાલ થયેલા ઉત્તર ભારતમાં વીજળીની માગ પણ વધી ગઈ છે. દિલ્લીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જેના કારણે દિલ્લીમાં વીજળીની સર્વોચ્ચ માગ ગુરૂવારે સાત હજાર 26 મેગાવોટ સુધી પહોંચી હતી. આ માગ વર્ષ 2020 અને 2021ની તુલનામાં સૌથી વધુ છે.