ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા થઈ જજો સાવધાન, હવે મોબાઈલ પર જ મળશે મેમો
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
હવે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે તો મોબાઇલ પર જ મેમો મળશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વન નેશન, વન ચલાન અભિયાનની શરૂઆત કરાઇ છે જેમાં 90 દિવસમાં દંડ નહીં ભરે તો ટ્રાફિક કોર્ટમાં હાજર રહેવું પડશે. મોબાઈલ એપ્લિકેશનથી ફોટો પાડી પોલીસ દંડ વસૂલશે.
હવે અમદાવાદ, સુરત ,રાજકોટમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવો ભારે પડી શકે છે. ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હશે તો તેમને મેમો તેમના મોબાઈલ પર પહોંચશે. હાલમાં દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે.
મોબાઈલ એપ્લિકેશનમાં ઈ ચલણ એપ્લિકેશન 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા. જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપશે. જેમાં વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે. અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે.
આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો એપની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. વાહન ચાલકોને ઈ ચલણ મળ્યાના 90 દિવસમાં તેને ભરી દેવુ પડશે. જો આ સમયગાળામા ઈ ચલણ ન ભરાય તો તે ચલણ 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના 45 દિવસ સુધી દંડ ભરવામા નહી આવે તો બાદમાં તે ચલણ ફીઝીકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને બાદમાં કોર્ટ દ્વારા સમન્સ કાઢી જે-તે વ્યક્તિને કોર્ટમાં હાજર રખાવી શકશે અને સજા કરશે.
આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વહેંચી કે ટ્રાન્સફર કરી શકશે નહીં. જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહન ચાલકોનો ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે.