Amreli Rain: અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું હતું.

અમરેલી: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું હતું. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
અમરેલી જિલ્લાના રાજુલામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. આગરીયા, માંડરડી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટાના કારણે લોકોને અસહ્ય ગરમી વચ્ચે રાહત મળી છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના ખાંભા, ધારી અને રાજુલા પંથકમાં સતત વરસાદી માહોલ યથાવત છે. આ વિસ્તારમાં વરસાદના કારણે ઉનાળું પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે.
રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું
રાજકોટ શહેરમાં અચાનક બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન બદલાયું હતું. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં તાપમાન 41.0 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
ચોમાસું ક્યારે આવશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું 12 થી 18 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. IMD ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 12-13 જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે. જોકે, વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ છે. કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક નથી.





















