રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ, ડાંગમાં ભારે પવન સાથે વરસાદ
ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થવામાં થોડા દિવસનો સમય બાકી છે. પરંતુ આ પહેલા મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રવિવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ડાંગ, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, અમરેલી અને નવસારી જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે.
ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થવામાં થોડા દિવસનો સમય બાકી છે. પરંતુ આ પહેલા મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રવિવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ડાંગ, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, અમરેલી અને નવસારી જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે.
રાજકોટ શહેરની નજીકના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલ ચોકડી નજીકના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સુરતના ઉમરપાડામાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ તરફ ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. કીમ, કુદસદ, મૂળદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ડાંગમાં સતત છ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. આહવા પાસેનો શિવઘાટનો ધોધ પણ સક્રિય થયો છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. તો નવસારી જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે. વરસાદના આગમનને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. વડગામના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. જલોત્રામાં ભારે વરસાદ થતાં રોડ પર પાણી ભરાયા છે. અચાનક શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
રાજ્યમાં અચાનક વાતાવરણમાં આવેલા ફેરફારની અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી હતી. અમરેલી જિલ્લાના ઇશ્વરિયા ગામે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે.
સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને ઈડરના કેટલાક વિસ્તારોમા પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.