સુરેન્દ્રનગરઃ લીંબડીમાં યુવકની છરીના ઘા મારીને હત્યા, કોણે અને કેમ કરી નાંખી હત્યા?
સુરેન્દ્રનગરના લીંબડીમાં જાહેરમાં જ યુવકની છરીના ઘા મારીને હત્યા કરાતા ચકચાર મચી ગઈ. પ્રેમપ્રકરણમાં હત્યા કરાઈ હોવાની આશંકા.
સુરેન્દ્રનગરઃ લીંબડી શહેરના ભલગામડા ગેઈટ પાસે યુવકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે. છરી વડે હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો નાસી છુટ્યા છે. એલસીબી, ડીવાયએસપી સહિતનો પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, તપાસ પછી જ વધુ વિગતો સામે આવશે. હત્યામાં 3 શખ્સો સામેલ હોવાની વિગત જાણવા મળી છે. હત્યામાં સામેલ 1 શખ્સની અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, લીંબડીના રળોલ ગામે રહેતો સરફરાજ અબ્બાસભાઈ વડદરીયા બાઈક લઈ ભલગામડા ગેટ પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય બાઈક પર સવાર 3 શખ્સોએ બાઈકને આંતરી ઊભો રાખ્યો હતો. તેમજ તેની સાથે મારામારી કરીને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જાહેરમાં હત્યાનો બનાવ બનતા લીંબડી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
યુવકના મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. હત્યારાઓને ઝડપી પાડવા ડીવાયએસપી દ્વારા અલગ-અલગ 5 ટીમો બનાવી શહેર અને હાઈવે ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. એલસીબી ટીમે રળોલથી હત્યામાં સામેલ બાઈક ચાલકની અટકાયત કરી હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે.