રાજ્યમાં વરસાદી સિસ્ટમ થઈ શકે છે સક્રિય, 30-31 ઓગષ્ટે સામાન્ય વરસાદની આગાહી
વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માગ ઉઠી છે.
રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ શક્યતા વ્યકત કરી છે રાજ્યના હવામાન વિભાગે. હાલ તો 30 અને 31 ઓગષ્ટના દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના ડાયરેકટરે કહ્યું કે રાજ્યમાં હજુ 48 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 286 મિમી વરસાદ નોંધાયો છે.
મુખ્યમંત્રીનું નિવેદન
રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાતા હવે રાજ્યમાં ઠેર- ઠેર ખેડૂતો સિંચાઈ માટે પાણીની કરી રહ્યા છે માગ. આ વચ્ચે જ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું કે પીવાના પાણીને હાલ ટોપ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. ખેતી માટે પણ વધુમાં વધુ પાણી મળી રહે તેવું સરકારનું આયોજન છે. આશા છે કે મેઘરાજા મનમૂકીને વરસે.
બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા માગ
વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માગ ઉઠી છે. શરુઆતમાં પડેલા સારા વરસાદના કારણે ખેડૂતોએ હોંશે હોંશે મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. પરંતુ બાદમાં સતત વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. તો સિંચાઈ માટેના ડેમ પણ હવે તળિયાજાટક બન્યા છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો માત્ર 27 ટકા વરસાદ નોંધાયો છે. તો લાખણી તાલુકામાં માત્ર 7 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે અંહિયાના ખેડૂતોએ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે સિંચાઈ માટે સુજલામ સુફલાફ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની રજૂઆત કરી છે.
રાજકોટ આજીડેમમાં તળિયા દેખાયા
રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ વરસાદ ખેંચાતા થઈ ગયો તળિયાઝાટક. વરસાદ ખેંચાતા હવે રાજકોટ સંપૂર્ણ નર્મદા નદી પર જ આધારિત થશે. રાજકોટની જનતાને આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. હાલ આજીડેમમાં માત્ર 15.48 ટકા જ જળસંગ્રહ છે. તો ન્યારી ડેમમાં 17.37 ટકા જળસંગ્રહ છે. તો ભાદર ડેમમાં 20.10 ફૂટ પાણીનો જળસંગ્રહ છે.
હાલ રાજકોટમાં આજીડેમમાં 10 સપ્ટેમ્બર સુધી તો ન્યારી ડેમમાં 15 નવેમ્બર સુધી ચાલે તેટલુ પાણીનો જથ્થો છે. ભાદર ડેમમાં 15 ડિસેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. ત્યારે રાજકોટના મેયર ડૉ. પ્રદિપ ડવએ મુખ્યમંત્રી સાથે વાત કરી છે. મુખ્યમંત્રી સાથે વાતચીત બાદ 1લી સપ્ટેમ્બર બાદથી આજી નર્મદાના નીરના ભરથી ભરવામાં આવશે.