રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ પડશે, જાણો ક્યાં-ક્યાં જિલ્લામાં પડશે વરસાદ ?
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડશે.
ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડશે. 48 કલાક બાદ 3થી 5 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હજુ બે દિવસ ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત રહેશે.
હવામાન વિભાગે આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત કચ્છમાં ભારે પવન સાથે માવઠાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.
સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ માવઠું પડી શકે છે. હવામાન વિભાગના મુજબ રાજ્યના મોટાભાગના શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. વરસાદી અસર ઓછી થતાં ફરી ગરમીનો પારો વધશે. આગામી બે દિવસ બાદ મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી વધી શકે છે. મોટા ભાગના શહેરમાં તાપમાનનો 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના અનેક શહેરમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. હવામાન વિભાગે 9 મેના રોજ અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.
Cyclone Mocha નો વધ્યો ખતરો, આગામી પાંચ દિવસ માટે એલર્ટ, હવામાન વિભાગે જાહેર કરી એડવાઇઝરી
દેશના કેટલાક રાજ્યો પર Cyclone Mochaનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (શનિવાર) એટલે કે 6 મેના રોજ રાત્રે 8.30 કલાકે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. તેને જોતા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સાંજથી દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. તેની અસર હેઠળ 8મી મેના રોજ સવાર સુધીમાં આ જ વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સર્જાશે અને મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધશે. 9 મેના રોજ મધ્ય બંગાળની ખાડી પર એક ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે.
હળવાથી ભારે વરસાદની શક્યતા
તેને જોતા હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીના નજીકના વિસ્તારોમાં 8 મે થી 12 મે દરમિયાન મોટાભાગના સ્થળોએ મધ્યમ વરસાદ જોવા મળશે. 8 થી 11 મે દરમિયાન દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 10મી મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
પવનની ગતિ વધશે
પવનની ઝડપ 7મેથી દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. 9મી મેના રોજ પવનની ગતિ ધીમે ધીમે વધીને 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.
માછીમારો, નાના જહાજો, બોટમેન અને ટ્રોલર્સને 7 મેથી દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં અને 9 મેથી મધ્ય બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ અને આજુબાજુના વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે. જેઓ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં છે તેમને 7 મે પહેલા સુરક્ષિત સ્થળોએ પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.