Cold Wave: રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું, આગામી દિવસોમાં કૉલ્ડવેવની નવી આગાહી, વાંચો આજના આંકડા
Gujarat Weather: અત્યારે દેશભરમાં શીતલહેર ફરી વળી છે, કાતિલ ઠંડીમાં સમગ્ર ઉત્તર ભારત ઠૂંઠવાયુ છે. આબુમાં આજનું તાપમાન 0.8 ડિગ્રી સુધી નોંધાયુ છે

Gujarat Weather: ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યુ છે. ઉત્તરાયણ પહેલાથી શરૂ થયેલી કૉલ્ડવેવ હવે ઓછી થઇ છે. પરંતુ આ સાથે જ નવી આગાહીએ લોકોને ચોંકાવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુપણ ઠંડીનો ચમકારો જોવા મળશે. કેમ કે ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા અને વેસ્ટન ડિસ્ટર્બન્સના ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
રાજ્યમાં આજે તાપમાનની વાત કરીએ તો ફરી એકવાર ઠંડીનું જોર ઘટવા લાગ્યુ છે. જોકે, કેટલાક શહેરોમાં હજુ પણ પારો નીચે જતો જોવા મળ્યો છે. આજના તાપમાનમાં અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ, તો વળી અમરેલી 15.0 ડિગ્રી તાપમાન, વડોદરા 19.2 ડિગ્રી તાપમાન, ભુજ 13.2 ડિગ્રી તાપમાન, ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન, દીવમાં 15.2 ડિગ્રી તાપમાન, કંડલા 15.5 ડિગ્રી તાપમાન, પોરબંદર 13.4 ડિગ્રી તાપમાન, સુરત 18.8 ડિગ્રી તાપમાન અને નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. લેટેસ્ટ આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પવનોની દિશા બદલાતા ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં હજુપણ ઠંડીની અસરમાં કોઇ રાહતના સમાચાર નથી, આગામી ત્રણ દિવસ બાદ આંશિક રાહત મળવાની સંભાવના છે.
મહત્વનું છે કે, અત્યારે દેશભરમાં શીતલહેર ફરી વળી છે, કાતિલ ઠંડીમાં સમગ્ર ઉત્તર ભારત ઠૂંઠવાયુ છે. આબુમાં આજનું તાપમાન 0.8 ડિગ્રી સુધી નોંધાયુ છે, પહાડોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યુ છે. તો વળી, વૈષ્ણોદેવીમાં બરફવર્ષા થઇ રહી છે. હવામાન વિભાગ અનુસાર, દેશભરમાં 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે, જો વરસાદી ઝાંપટા પડશે તો ઠંડીનું જોર વધી શકે છે.
ઠંડીને લઇને શું છે આગાહી -
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે આગાહી કરી છે. સામાન્ય રીતે તાપમાન ઊંચું જતાં ઠંડીમાં રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં રાહત મળે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત નકારી રહ્યા છે. તેમના મતે આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે, એટલે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ મોટી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ પણ નથી. 16 અને 17 જાન્યુઆરી સુધી તો ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી. 18 તારીખથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. તે પણ 1થી 2 ડિગ્રીની રાહત હશે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બન્ને નીચે ચાલી રહ્યા છે. જ્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાઈ રહ્યા છે.
હવામાન નિષ્ણાતના મતે, આગામી 19 તારીખથી પવનમાં સામાન્ય રાહત મળશે. 19 તારીખથી પવનની દિશામાં પણ બદલાવ આવશે. અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે. જેની જગ્યાએ ઉત્તર-પશ્ચિમના પવનો થઈ શકે છે. જેના કારણે 18 તારીખથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ ઝાકળનો હળવો રાઉન્ડ આવી શકે છે. આ સાથે જ 18-19 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. જોકે, માવઠું થઈ જાય તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વાદળો હશે.
આ પણ વાંચો





















