ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો
Gujarat Assembly Elections : સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન છે કે શું ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે? સૌ કોઈ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે.
Gujarat : ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. પરંતુ રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચો થઇ રહી છે કે ગુજરાતમાં ચૂંટણી નિયત સમય કરતા વહેલી એટલે કે ડિસેમ્બર મહિના કરતા પહેલા યોજાશે. સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન છે કે શું ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે? સૌ કોઈ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે. પણ અમે તમને આ પ્રશ્નનો જવાબ જણાવવા જઈ રહ્યાં છીએ.
PM આવાસ પર અમિત શાહ, સીએમ ભુપેન્દ્ર પટેલની બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે એવી ચર્ચાએ એટલા માટે જોર પકડ્યું કેમ કે આજે 30 એપ્રિલે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદીએ કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત સરકારના મુખ્ય સચિવ કૈલાસનાથ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે મહત્વની ચર્ચાઓ થઇ.
શું કહે છે ભાજપના સૂત્રો
વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં શું ચર્ચા થઇ એ બાબતે ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી જણાવતા એબીપીના વરિષ્ઠ સંવાદદાતા વિકાસ ભદોરિયાએ જણાવ્યું કે આ બેઠકમાં ચર્ચા થઇ છે જે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી તેના નિર્ધારિત સમય પર જ યોજાશે, એટલે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીએ વહેલી નહીં યોજાય. આ નિર્ણય અંગે સૂત્રોએ એ પણ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ કે AAP ગમે તેવો ભ્રમ ફેલાવે પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી નહીં યોજાય.
શું કહ્યું સી આર પાટીલ અને જે પી નડ્ડાએ ?
ગુજરાતના રાજકારણમાં આજકાલ આ પ્રશ્નની ખુબ ચર્ચા થઇ રહી છે. જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસર યોજાશે.
આ ઉપરાંત ગઈકાલે 28 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાને પણ આ પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ચૂંટણીનું કામ ચૂંટણી પાંચ જુએ છે, પણ જ્યાં સુધી વહેલી ચૂંટણી યોજવાની વાત થઇ રહી છે, તે વિષે ભારતીય જનતા પાર્ટીએ એવો કોઈ પ્રસ્તાવ રાખ્યો નથી.