2000 Note : "PM મોદી 2000ની નોટ લાવવાના પક્ષમાં જ નહોતા" : પૂર્વ અધિકારીનો ખુલાસો
આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે.

Nripendra Mishra on RBI to Withdraw 2000 Rupee : ભારતીય રિઝર્વ બેંકે ગઈ કાલે 19મી જુન, શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 2000ની નોટ પરત કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ધીમે ધીમે બે હજારની નોટ ચલણમાંથી બહાર થઈ જશે. આરબીઆઈ દ્વારા તેની તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી આ નોટો બેંકોમાંથી બદલી શકાશે. RBIના આ નિર્ણય પર રાજકારણીઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવે આ બાબતે જાણકારી આપી છે.
'બે હજારની નોટ બદલાવવાની આશા હતી'
આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે 2016માં નોટબંધીની યોજના બનાવવામાં આવી હતી ત્યારે પીએમ મોદીના મનમાં પહેલાથી જ હતું કે 2000 રૂપિયાની નોટ એક અસ્થાયી સમાધાન છે. એટલે કે આ નોટોના એક્સચેન્જની અપેક્ષા હતી.
"પીએમ મોદીને 2000ની નોટ લાવવી પસંદ નહોતી"
નૃપેન્દ્ર મિશ્રાએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું હતુંકે, 'આ નોટબંધી નથી, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની છે. નોટબંધી વખતે 2000 રૂપિયાની નોટ લાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જે વડાપ્રધાનને પસંદ નહોતું આવ્યું. જો કે, એક કેપ્ટન તરીકે, તેની ટીમની સલાહ પર, તેણે આ નોટોને મંજૂરી આપી. તેમ છતાં તે ત્યારે ખૂબ જ સ્પષ્ટ હતા અને અમે પણ હતા કે આ ટૂંકા ગાળાની વ્યવસ્થા હશે.
'નોટબંધી મહત્વનો નિર્ણય હતો'
નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, નોટબંધીના સમયે આ એક મહત્વપૂર્ણ નિર્ણય હતો, જે પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીની વિચારસરણી હતી જ કે, 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી રહી છે. આ ખાસ સંજોગોમાં લાવવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થા હતી. તેને ક્યારેય લાંબી પ્રક્રિયા સાથે આગળ લઈ જવાનું ન હતું. આ સાથે તે સમયે પીએમનો અભિપ્રાય પણ હતો કે, આ મોટી નોટ (રૂ. 2000ની નોટ) મુખ્યત્વે ગરીબો માટેના વ્યવહારો માટે વ્યવહારુ નહીં હોય. આ સ્થિતિમાં તેને બદલવાને લઈને તે આશ્વસ્ત હતા જ.
'તબક્કાવાર નિર્ણય લેવાયો'
આ ઉપરાંત તે સમયે તેમણે એવું પણ વિચાર્યું હતું કે, જો 2000ની નોટને લાંબા સમય સુધી યથાવત રાખવામાં આવે તો તેનાથી કાળા નાણાને પ્રોત્સાહન મળશે અને બીજું કે, કરચોરી પણ સરળ બની જશે. તેથી જ તેમનું માનવું હતું કે, તેને જેટલું વહેલું પાછું લઈ શકાય એટલું સારું રહેશે. આ માટે તબક્કાવાર નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. ત્યાર બાદ આગામી તબક્કામાં ધીમે ધીમે તેમના સર્ક્યુલેશનને ઘટાડવાની અને તેની પાછી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હવે શુક્રવારે, આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, આ તમામ નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં પાછી ખેંચી લેવામાં આવશે.





















