મતગણતરી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, સાગર રબારીએ AAPમાંથી આપ્યું રાજીનામું
Aam Aadmi Party: ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ આમ આદમી પાર્ટી(આપ)માંથી રાજીનામું આપી દીધું છે.

- આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ રાજીનામું આપ્યું.
- રબારીએ વ્યક્તિગત અને રાજકીય કારણોસર પક્ષ છોડવાનો નિર્ણય કર્યો.
- મતગણતરી પહેલાં નેતાઓના રાજીનામાથી પાર્ટીમાં ગાબડું પડ્યું.
- સાગર રબારી 9 ઓગસ્ટ 2021ના રોજ AAPમાં જોડાયા હતા.
Aam Aadmi Party: મતગણતરીના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ આમ આદમી પાર્ટી(આપ)માંથી રાજીનામું આપી દીધું છે. સાગર રબારીએ સોશલ મીડિયામાં પોસ્ટ કરી આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અગાઉ રાજુ કરપડા અને કરશન બાપુ ભાદરકા પણ આમ આદમી પાર્ટી છોડી ચુક્યા છે.
વધુ એક મોટા નેતાએ AAPમાંથી આપ્યું રાજીનામું
માહિતી મુજબ સાગર રબારીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં વ્યક્તિગત અને રાજકીય કારણોને પગલે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. જોકે, તેમણે વિસ્તૃત કારણો જાહેર કર્યા નથી, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની મતગણતરી અગાઉ આમ આદમી પાર્ટીને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે થોડા સમય અગાઉ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે.
સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે, 'હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.' રાજુ કરપડા બાદ હવે સાગર રબારીએ પણ રાજીનામું આપતા આગામી ચૂંટણીઓમાં પાર્ટીની વ્યૂહનીતિ પર મોટી અસર પડી શકે છે. સાગર રબારીના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. પરંતુ આગામી તેઓ કઈ પાર્ટીમાં જોડાઈ છે તે જોવાનું રહ્યું. નોંધનીય છે કે સાગર રબારી 9 ઓગસ્ટ 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. તેમણે વર્ષ 2018માં ખેડૂતોના હક્ક માટે ખેડૂત એકતા મંચની સ્થાપના કરી હતી.





















