અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
Ahmedabad plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. AAIB એ તેના સોગંદનામામાં જણાવ્યું છે કે, તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ઘણા સંવેદનશીલ દસ્તાવેજો જાહેર જનતા સાથે શેર કરી ન શકાય

Ahmedabad plane crash : અમદાવાદમાં ગયા વર્ષે 12 જૂને થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ અંગે મહત્વની માહિતી સામે આવી છે. વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB)**એ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા હલફનામામાં જણાવ્યું છે કે, તપાસ દરમિયાન એકત્રિત કરાયેલા અનેક સંવેદનશીલ દસ્તાવેજો, ખાસ કરીને કોકપિટ વૉઇસ રેકોર્ડિંગ (CVR), જાહેર કરી શકાય નહીં. બ્યુરોનું કહેવું છે કે, કાયદો તેની મંજૂરી આપતો નથી. AAIBએ જણાવ્યું કે દુર્ઘટનાની ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે.
AAIBએ હલફનામામાં જણાવ્યું છે કે તપાસ દરમિયાન મેળવાયેલા અનેક સંવેદનશીલ દસ્તાવેજો અને રેકોર્ડ કોઈ બાહ્ય સમિતિ કે સામાન્ય જનતા સાથે વહેંચી શકાય નહીં. તેમાં કોકપિટ વૉઇસ રેકોર્ડિંગ (CVR), વિમાનની અંદરની વીડિયો અથવા ઓડિયો રેકોર્ડિંગ, તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદનો, પાઇલટ, એરલાઇન અને અન્ય કર્મચારીઓ વચ્ચે થયેલી વાતચીત, એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની રેકોર્ડિંગ તેમજ મૃતકો અને ઘાયલોના વ્યક્તિગત તથા તબીબી રેકોર્ડનો સમાવેશ થાય છે.
રેકોર્ડિંગ જાહેર કેમ નહીં થાય?
AAIBએ જણાવ્યું કે, વિમાન અકસ્માત તપાસ નિયમો, 2025ના નિયમ 17(5) મુજબ કોકપિટ વૉઇસ રેકોર્ડિંગ અને વિમાનની અંદરની રેકોર્ડિંગ જાહેર કરવા પર કાનૂની પ્રતિબંધ છે. બ્યુરોના જણાવ્યા અનુસાર જો સાક્ષીઓ અથવા વિમાન સંચાલન સાથે જોડાયેલા લોકોને એવો ભય રહેશે કે, તેમના નિવેદનો બાદમાં જાહેર થઈ જશે, તો તેઓ નિર્ભયતાથી માહિતી આપશે નહીં. તેના કારણે દુર્ઘટનાની તપાસના હેતુને નુકસાન પહોંચી શકે છે અને ભવિષ્યમાં હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પર પણ અસર પડશે.
આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ થઈ રહી છે તપાસ
AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, આ તપાસ માત્ર ભારતના નિયમો મુજબ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના એનેક્સ-13 અને શિકાગો કન્વેન્શનના નિયમો અનુસાર પણ કરવામાં આવી રહી છે. આવા કેસોમાં વિમાન બનાવનાર દેશ, એરલાઇન અને અન્ય સંબંધિત દેશોની તપાસ એજન્સીઓ પણ તપાસ પ્રક્રિયાનો ભાગ બને છે.
AAIBએ સ્પષ્ટ કર્યું કે આ તપાસનો હેતુ કોઈ પાઇલટ, ક્રૂ સભ્ય અથવા અન્ય કોઈ વ્યક્તિને દોષિત ઠેરવવાનો નથી. તપાસનો મુખ્ય ઉદ્દેશ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય તે અંગે ભલામણો કરવાનું છે.
ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે?
હલફનામા મુજબ તપાસ સંબંધિત બાકીનું કામ આગામી લગભગ છ અઠવાડિયામાં પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારબાદ તમામ તથ્યોનું વિશ્લેષણ કરીને ઓક્ટોબર 2026 સુધીમાં ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ તૈયાર થવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટમાં આ હલફનામું દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલ, ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સ અને સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન નામની એનજીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓના જવાબમાં રજૂ કરવામાં આવ્યું છે.
પ્લેન ક્રેશ દરમિયાન શું થયું હતું?
12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભર્યા બાદ થોડા જ મિનિટોમાં એક મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં તૂટી પડી હતી. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241ના મોત થયા હતા, જ્યારે જમીન પર હાજર 19 લોકોના પણ જીવ ગયા હતા. કુલ 260 લોકોના મોત સાથે આ અકસ્માત ભારતના સૌથી ભયાનક વિમાન અકસ્માતોમાંનો એક માનવામાં આવે છે.






















