Asaram : ટુંક સમયમાં જ જેલમાંથી બહાર આવશે આશારામ?
આસારામે અગાઉ પેરોલ માટે અરજી કરી હતી. પેરોલ કમિટીએ તેની પેરોલ માટેની અરજી ફગાવી દીધા બાદ આસારામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
![Asaram : ટુંક સમયમાં જ જેલમાંથી બહાર આવશે આશારામ? Asaram : Will Asaram Come Out of Jail? Asaram : ટુંક સમયમાં જ જેલમાંથી બહાર આવશે આશારામ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/26/cde46304b3fc7452a8df6b03354899fe1672073025246584_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajasthan News: પોતાના જ ગુરુકુળની સગીર વિદ્યાર્થિની સાથે યૌન શોષણના ચકચારી કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામ અને તેના અનુયાયીઓ માટે રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહતના સમાચાર આવ્યા છે. આસારામની જેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે. આસારામના સમર્થકોમાં પણ આશા જાગી છે.
આસારામે અગાઉ પેરોલ માટે અરજી કરી હતી. પેરોલ કમિટીએ તેની પેરોલ માટેની અરજી ફગાવી દીધા બાદ આસારામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેના પર સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સોમવારે જોધપુર સેન્ટ્રલ જેલની પેરોલ કમિટીને પેરોલ નિયમો, 1958 હેઠળ આસારામની અરજી પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પેરોલ કમિટીને 6 સપ્તાહમાં નિર્ણય લેવાનો નિર્દેશ
જસ્ટિસ વિજય વિશ્નોઈ અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની બનેલી રાજસ્થાન હાઈકોર્ટની ડબલ બેન્ચે આસારામની અરજી ફગાવી દેવાના પેરોલ કમિટીના નિર્ણયને બાજુ પર રાખ્યો હતો. આ સાથે પેરોલ કમિટીને 6 સપ્તાહમાં આ અંગે નવો નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
1 સપ્ટેમ્બર, 2013થી 81 વર્ષીય આસારામ પોતાના આશ્રમની સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર કરવા બદલ જોધપુર સેન્ટ્રલ જેલમાં અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ભોગવી રહ્યા છે. આસારામ તરફથી જેલમાંથી બહાર આવવા માટે 20 દિવસના પેરોલની માંગણી કરવામાં આવી હતી. આસારામની અરજીને અગાઉ ડિસ્ટ્રિક્ટ પેરોલ એડવાઇઝરી કમિટી દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજસ્થાનના કેદીઓ પેરોલ પર છૂટવાના નિયમો, 2021 હેઠળ પેરોલ માટે હકદાર નથી.
આસારામે રાજસ્થાન હાઈકોર્ટમાં નાખી ધા
આસારામની પેરોલ અરજી ફગાવી દેવાને પડકારી હતી. આસારામે રાજસ્થાન હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં. આસારામના એડવોકેટ કાલુરામ ભાટીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, અરજદારને 25 એપ્રિલ 2018ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે 2021 માટેના નવા નિયમો 29 જૂન 2021થી અમલમાં આવ્યા હતા.
આસારામના એડવોકેટ કાલુરામ ભાટીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, તેથી અરજદાર દ્વારા દાખલ કરાયેલી અરજીઓ 2021ના નિયમોને બદલે 1958ના નિયમોની જોગવાઈ હેઠળ ધ્યાનમાં લેવાને પાત્ર છે. જ્યારે એડિશનલ એડવોકેટ જનરલ અનિલ જોશીએ આશારામને પેરોલ આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આશારામની સાથો સાથ તેનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલવાસ ભોગવી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)