(Source: ECI/ABP News/ABP Majha)
UP Election 2022: ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલા ટકા થયું મતદાન?
ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 53.31 ટકા સુધી મતદાન નોંધાયું હતું.
લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર સદર સહિત 57 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થયું હતું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. સાંજે 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા અનુસાર ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 53.31 ટકા સુધી મતદાન નોંધાયું હતું.
સાંજે 5 વાગ્યા સુધીમાં આંબેડકર નગરમાં 58.68 ટકા મતદાન થયું હતું. તે જ સમયે, બલિયામાં 51.74 ટકા મતદાન , બલરામપુરમાં સાંજે 5 વાગ્યા સુધી 48.41 ટકા લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે બસ્તીમાં 54.07 ટકા, દેવરિયામાં 51.51 ટકા, ગોરખપુરમાં 53.86 ટકા, કુશીનગરમાં 55.01, મહારાજગંજમાં 57.48, સંત કબીર નગરમાં 51.14, સિદ્ધાર્થનગરમાં 49.83 ટકા મતદાન નોંધાયું હતું.
વિધાનસભા ચૂંટણીના આ તબક્કામાં મુખ્યમંત્રી આદિત્યનાથ (ગોરખપુર સદર), આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહ (બંસી), સતીશ દ્વિવેદી (ઈટવા), પૂર્વ શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય (ફાઝિલનગર) અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ તમકુહી રાજની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. આ તબક્કામાં એક કરોડ મહિલાઓ સહિત લગભગ 2.15 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ તબક્કામાં ઈવીએમમાં 66 મહિલાઓ સહિત કુલ 676 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા.
મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા દાવ પર
છઠ્ઠા તબક્કામાં ગોરખપુર સદર બેઠક પરથી મુખ્યમંત્રી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ પર છે. આ સિવાય રાજ્યના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહ સિદ્ધાર્થનગર જિલ્લાની બંસી સીટ પર બીજેપી ઉમેદવાર તરીકે ફરીથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને સપાના ઉમેદવાર માતા પ્રસાદ પાંડે એ જ જિલ્લાની ઇટાવા બેઠક પર ભાજપના ઉમેદવાર સતીશ ચંદ્ર દ્વિવેદી સામે ચૂંટણી લડી રહ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્ય, જેઓ ગત વખતે કુશીનગર જિલ્લાની પદ્રૌના વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા અને લગભગ પાંચ વર્ષ સુધી યોગી સરકારમાં શ્રમ મંત્રી રહ્યા હતા, તેઓ આ વખતે કુશીનગરની ફાઝીલનગર બેઠક પરથી સપાના ઉમેદવાર છે જ્યાં તેમની મુખ્ય હરીફાઈ ભાજપના સુરેન્દ્ર કુશવાહ સામે છે.