શોધખોળ કરો
નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં હવે રસ્તા પર ઉતરશે કૉંગ્રેસ, 22 ડિસેમ્બરે દેશભરમાં કાઢશે શાંતિ માર્ચ
કૉંગ્રેસ પાર્ટી 22 ડિસેમ્બરે આ કાયદાની સામે સમગ્ર દેશમાં શાંતિ માર્ચ કાઢવાની તૈયારી કરી રહી છે.

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રશાસન અને સરકારની તમામ કોશિશો છતાં લોકો આ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. હવે કૉંગ્રેસ પાર્ટી 22 ડિસેમ્બરે આ કાયદાની સામે સમગ્ર દેશમાં શાંતિ માર્ચ કાઢવાની તૈયારી કરી રહી છે. આ પ્રદર્શનની આગેવાની જે રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર છે ત્યાં મુખ્યમંત્રી કરશે અને જ્યાં કૉંગ્રેસની સરકાર નથી તે રાજ્યોમાં પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ આગેવાની કરશે. આ પહેલા કૉંગ્રેસ પાર્ટી પોતાના સ્થાપના દિવસે 28 ડિસેમ્બરે સમગ્ર દેશમાં સેવ ઈન્ડિયા સેવ કોન્સ્ટિટ્યૂશનના નારા સાથે પ્રદર્શન કરવાની હતી પરંતુ સમગ્ર દેશમાં નાગરિકતા કાયદાને લઈને ગુસ્સો સામે આવ્યો છે ત્યારે પાર્ટી આ દિવસે એક મોટુ પ્રદર્શન કરી શકે છે. સમગ્ર દેશમાં નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં થઈ રહેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખી પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તાત્કાલિક કોર ગ્રુપની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અહમદ પટેલ, પ્રિયંકા ગાંધી, આરપીએન સિંહ, જ્યોતિરાદિત્ય સીધિંયા અને દીપેન્દ્ર હુડ્ડા સામેલ થયા હતા. બેઠકમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, કૉંગ્રેસને રસ્તાઓ પર ઉતરવાની જરૂર છે તો અન્ય બીજા નેતાઓએ સોનિયા ગાંધીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી અને એ પણ કહ્યું કે મોદી સરકાર દેશના ભાગલા પાડવાની કોશિશ કરી રહી છે અને નાગરિકતા કાયદાના માધ્યમથી દેશના સાચા મુદ્દાઓ અર્થવ્યવસ્થા અને બેરોજગારી પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો





















