Corona Cases India: દેશમાં કોરોના કેસ ઘટવા છતાં હાલ દેશના કેટલા જિલ્લામાં 100થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે ?
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, 1 જુલાઈએ દેશના 279 જિલ્લામાં કોરોનાના 100થી વધારે કેસ નોંધાતા હતા, પરંતુ આજે માત્ર 57 જિલ્લામાં જ 100 કેસ નોંધાઈ રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં છ દિવસ બાદ કોરોનાના કેસ ઘટ્યા છે. આ પહેલા છેલ્લા છ દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા હતા. આ દરમિયાન આજે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, 1 જુલાઈએ દેશના 279 જિલ્લામાં કોરોનાના 100થી વધારે કેસ નોંધાતા હતા, પરંતુ આજે માત્ર 57 જિલ્લામાં જ 100 કેસ નોંધાઈ રહ્યા છે.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, દેશના 222 જિલ્લામાં કેસ ઘટ્યા છે. જ્યારે કેટલાક જિલ્લામાં કેસ વધી રહ્યા છે. દેશમાં કુલ 18 જિલ્લામાં કોરોના કેસ વધ્યા છે, જે પૈકી 12 કેરળના છે. આ 18 જિલ્લામાં જ દેશના 47.5 ટકા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં 44 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે છે. જેમાં કેરળ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ મુખ્ય છે.
Number of cases decreased in 222 dists. Case trajectory is seen in the limited area. There are 18 districts incl 10 districts of Kerala where an increasing trend in cases is seen. These 18 districts constitute of 47.5% cases: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry
— ANI (@ANI) August 3, 2021
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 30549 નવા કેસ નોંધાયા હતા અને 38,887 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 422 લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસમાં 8760નો ઘટાડો થયો છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3,17,26,507
- એક્ટિવ કેસઃ 4,04,958
- કુલ રિકવરીઃ 3,08,96,354
- કુલ મોતઃ 4,25,195
કેટલા ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 47 કરોડ 85 લાખ 44 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 61 લાખ 9 હજાર 587 લોકોનું રસીકરણ કરાયું હતું. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે.
આ વિસ્તારોમાં લગાવો કડક પ્રતિબંધ
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે.
કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો દેશભરમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. નિષ્ણાતોએ પણ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ જેવા કોરોનાના વેરિઅન્ટ ઝડપથી ચેપ ફેલાવી રહ્યા છે. વધુમાં લોકડાઉન દૂર થતાં તેમજ નિયંત્રણો હળવા થવાની સાથે લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું હોવાથી પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાજનક છે.