Coronavirus Cases: દેશમાં ફરી કોરોનાના કેસ 40 હજારને પાર, મૃત્યુઆંકમાં પણ થયો વધારો
India Coronavirus Cases: દેશમાં છ દિવસ બાદ ગઈકાલે કોરોનાના કેસ ઘટ્યા હતા. પરંતુ આજે ફરીથી કેસમાં વધારો થયો છે.
નવી દિલ્હીઃ દેશમાં છ દિવસ બાદ ગઈકાલે કોરોનાના કેસ ઘટ્યા હતા. પરંતુ આજે ફરીથી કેસમાં વધારો થયો છે. આ પહેલા છેલ્લા છ દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 42,625 નવા કેસ નોંધાયા હતા અને 36,668 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 562 લોકોના મોત થયા હતા.
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3,17,69,132
- એક્ટિવ કેસઃ 4,10,353
- કુલ રિકવરીઃ 3,09,33,022
- કુલ મોતઃ 4,25,757
કેટલા ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 48 કરોડ 52 લાખ 86 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 62 લાખ 53 હજાર 741 લોકોનું રસીકરણ કરાયું હતું. ICMR ના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 47,31,42,307 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. ગઈકાલે 18,47,518 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.
India reports 42,625 new #COVID19 cases, 36,668 discharges & 562 deaths in last 24 hours as per Union Health Ministry
— ANI (@ANI) August 4, 2021
Total cases: 3,17,69,132
Total discharges: 3,09,33,022
Death toll: 4,25,757
Active cases: 4,10,353
Total Vaccination: 48,52,86,570 (62,53,741 in last 24 hours) pic.twitter.com/eVeNxdlclt
આ વિસ્તારોમાં લગાવો કડક પ્રતિબંધ
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે.
કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો દેશભરમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. નિષ્ણાતોએ પણ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ જેવા કોરોનાના વેરિઅન્ટ ઝડપથી ચેપ ફેલાવી રહ્યા છે. વધુમાં લોકડાઉન દૂર થતાં તેમજ નિયંત્રણો હળવા થવાની સાથે લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું હોવાથી પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાજનક છે.
ગરીબો-ભીખારીઓ માટે વિશેષ રસીકરણ સત્રો ચલાવવા રાજ્યોને નિર્દેશ
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગરીબો, વંચિતો, ભીખારીઓ અને રોજમદારો માટે વિશેષ રસીકરણ સત્રો યોજવા નિર્દેશ આપ્યા છે. આ લોકો જાતે રસી લેવા માટે કો-વિન પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે તેમ ન હોવાથી તેમજ રસીકરણ માટે તેમની પાસે પર્યાપ્ત સંશાધન ન હોવાથી કેન્દ્ર સરકારે રાજ્યોને આ વર્ગ માટે વિશેષ સત્ર યોજવા કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો આ પ્રકારના વિશેષ સત્રો યોજવા માટે એનજીઓ, સામાજિક સંસ્થાઓની મદદ લઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશભરમાં રસીકરણ અભિયાન લોકકેન્દ્રી છે અને સામાજિક-આર્થિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના ૧૮ વર્ષથી વધુ વયના બધા જ લોકો રસી લઈ શકે તે માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.