દેશના વધુ એક રાજ્યમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ રિપોર્ટ કરાયો ફરજિયાત, જાણો વિગતે
આ નિયમ 18 એપ્રિલથી લાગુ થશે. રાજ્યના આરોગ્ય વિભાગના ઉપ સચિવ સોઈમિનલિયન લેંગેને ગુરુવારે જણાવ્યું હતું કે, ફ્લાઈટ કે સડક માર્ગે આવનારા તમામ લોકો માટે કોરોના રિપોર્ટ ફરજિયાત છે.
ઈન્ફાલ: દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. ત્યારે આ કોરોનાથી બચવા માટે અનેક રાજ્યમાં કર્ફ્યૂ સહિતના કડક પ્રતિબંધ લગાવી દેવાયા છે. ત્યારે હવે મણિપુર (Manipur) સરકારે પણ રાજ્યમાં અન્ય રાજ્યમાંથી આવતા તમામ લોકો માટે કોવિડ-19 તપાસ રિપોર્ટ (Corona Report) ફરજિયાત કરી દીધો છે. એક અધિકારીએ શુક્રવારે તેની જાણકારી આપી હતી.
મણિપુરમાં આ નિયમ 18 એપ્રિલથી લાગુ થશે. રાજ્યના આરોગ્ય વિભાગના ઉપ સચિવ સોઈમિનલિયન લેંગેને ગુરુવારે જણાવ્યું હતું કે, ફ્લાઈટ કે સડક માર્ગે આવનારા તમામ લોકો માટે કોરોના રિપોર્ટ ફરજિયાત છે. એટલું જ નહીં અહીંના સ્થાનિક લોકોએ પણ અન્ય રાજ્યમાંથી પરત આવતી વખતે 72 કલાક પહેલા કોરોના ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ અને તેમાં સ્પષ્ટ કરેવું હોવું જોઈએ તેને સંક્રમણની પુષ્ટી થઈ નથી.
સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તમામ સૈન્ય તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના યૂનિટોને મણિપૂરમાં પ્રવેશ પહેલા તેમના કર્મચારીઓને કોવિડ-19 ટેસ્ટની વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 217, 3353 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે. જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા બુધવારે 2,00,739 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. ગત વર્ષે 30 સપ્ટેમ્બરે દેશમાં અગિયારસોથી વધુ સંક્રમિતોના મોત થયા હતા.
ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 15 લાખની પાર પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
- કુલ કેસ- એક કરોડ 42 લાખ 91 હજાર 917
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 25 લાખ 47 હજાર 866
- કુલ એક્ટિવ કેસ - 15 લાખ 69 હજાર 743
- કુલ મોત - 1 લાખ 74 હજાર 308
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 72 લાખ 23 હજાર 509 ડોઝ આપવામાં આવ્યા છે.