Cyclone Shakti: ‘શક્તિ’ વાવાઝોડું નલિયા-દ્વારકાથી 770 કિમી દૂર; જાણો ગુજરાતમાં ક્યાં, ક્યારે અને કેટલી અસર થશે?
cyclone 770 km from Naliya Dwarka: હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ અને નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીઓ દર્શાવે છે કે વાવાઝોડું 'શક્તિ' હાલમાં પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે.

Cyclone Shakti Gujarat impact: અરબ સાગરમાં સક્રિય થયેલું વાવાઝોડું ‘શક્તિ’ હાલમાં ગુજરાતના દરિયાકિનારાથી ઘણું દૂર છે. આજે (5 ઓક્ટોબર) સવારે 5:30 કલાકે (IST) તે નલિયા અને દ્વારકાથી લગભગ 770 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 ઓક્ટોબરે આ વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લેશે, પરંતુ તે દરમિયાન તે ધીમું પડીને નબળું પડશે અને 7 ઓક્ટોબરની સવાર સુધીમાં 'ડીપ ડિપ્રેશન' માં ફેરવાય તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાત પર તેના સીધા લેન્ડફોલનો ખતરો લગભગ નહિવત્ છે. જોકે, તેની અસરના ભાગરૂપે 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ સહિત છ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તંત્ર દ્વારા 7 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સખ્ત સૂચના આપવામાં આવી છે, અને જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું એલર્ટ સિગ્નલ ચાલુ કરવામાં આવ્યું છે.
વાવાઝોડું ‘શક્તિ’નો સંભવિત માર્ગ અને નબળું પડવાનું અનુમાન
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ અને નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીઓ દર્શાવે છે કે વાવાઝોડું 'શક્તિ' હાલમાં પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે. શ્રીલંકા દ્વારા નામ અપાયેલું આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડાની ગતિવિધિ:
- વર્તમાન ગતિ: છેલ્લા 6 કલાક દરમિયાન તે 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે.
- યુ-ટર્ન: 5 ઓક્ટોબરે યુ-ટર્ન લઈને 6 ઓક્ટોબરની સવાર સુધી તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ગતિ ચાલુ રાખશે, અને આ સમય દરમિયાન તે નબળું પડવાની સંભાવના છે.
- ડીપ ડિપ્રેશન: 7 ઓક્ટોબરની સવાર સુધીમાં વાવાઝોડું નબળું પડીને 'ડીપ ડિપ્રેશન' માં ફેરવાય તેવી શક્યતા છે, જેમાં પવનની ગતિ ઘટીને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક (ઝટકા સાથે 70 કિમી પ્રતિ કલાક) થઈ જશે.
નિષ્ણાતોના મતે, વાવાઝોડું નબળું પડી રહ્યું હોવાથી અને જમીન નજીક આવતા વાવાઝોડા નબળા પડતા હોવાથી, ગુજરાતને કોઈ માઠી અસર થાય તેવી શક્યતા ના બરાબર છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
ભલે વાવાઝોડાનો સીધો ખતરો ન હોય, પરંતુ તેની અસરના ભાગરૂપે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
વરસાદની સંભાવના:
- 8 ઓક્ટોબર: દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
- અન્ય ભાગો: આગામી 5 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા ઝાપટાં પડી શકે છે. આજે હિંમતનગર, પોશીના, ખાનપુર અને કડાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
- પવનની ગતિ: 4 થી 7 ઓક્ટોબર દરમિયાન ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે (65 કિમી પ્રતિ કલાકના ઝાટકા સાથે) તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે.
સુરક્ષા અને એલર્ટ:ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકિનારા પર 7 ઓક્ટોબર સુધી દરિયાની સ્થિતિ ખરબચડીથી ખૂબ ખરબચડી રહેવાની સંભાવના છે. આથી માછીમારોને 7 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રના તમામ અસરગ્રસ્ત ભાગો અને દરિયાકિનારા તરફ ન જવાની સલાહ આપવામાં આવી છે. માંગરોળ બંદર પર 3 નંબરનું એલર્ટ સિગ્નલ ચાલુ છે, અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને દરિયા કિનારે ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે.




















