(Source: ECI/ABP News/ABP Majha)
ત્રીજી લહેરને લઈને પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી, કહ્યું- પહેલાથી વધારે સાવચેત રહેવાની જરૂર
રાજ્યમાં પણ શનિવાર અને રવિવારની રજાઓના દિવસોમાં મસમોટી ભીડ ઉમટી રહી છે.
પર્યટન સ્થળો અને હિલ સ્ટેશનો પર ઉમટતી પ્રવાસીઓની ભીડ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વોત્તર રાજ્યો સાથે ચર્ચા કરતા પ્રધાનમંત્રી મોદીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આપણે પહેલાથી વધુ સતર્ક રહેવાની જરૂર છે. આ કોરોના વાયરસ બહુરૂપી છે. તેના મ્યુટેંટથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. હિલ સ્ટેશનો અને પર્યટન સ્થળો પર ઉમટતી ભીડ યોગ્ય નથી. દેશના હિલ સ્ટેશનો અને પર્યટન સ્થળો પર જે રીતે પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. એવી જ રીતે રાજ્યમાં પણ શનિવાર અને રવિવારની રજાઓના દિવસોમાં મસમોટી ભીડ ઉમટી રહી છે. ધાર્મિક સ્થળો હોય કે પછી પર્યટન સ્થળ હોય. રાજ્યમાં પણ ભીડ ઉમટી રહી છે. લોક માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યાં છે. તો સોશલ ડિસ્ટસિંગના નિયમો પણ નથી જળવાઈ રહ્યા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, લોકો કોરાનાની ત્રીજી લહેરને હવામાન અપડેટની જેમ લઈ રહ્યા છે. તેની ગંભીરતા અને તેના સાથે જોડાયેલી જવાબદારીને લોકો સમજી રહ્યા નથી. દેશના અનેક હિસ્સામાં કોરોના પ્રોટોકોલનું પાલન નથી રહ્યું. જે આપણી મહેનત પર પાણી ફેરવી શકે છે.
લવ અગ્રવાલે કહ્યું, હું તમામને વિનંતી કરવા માંગુ છું કે જ્યારે પણ આપણે કોરોનાની ત્રીજી લહેર અંગે વાત કરીએ છીએ ત્યારે લોકો તેને હવામાન અપડેટ તરીકે લઈ રહ્યા છે. તેની ગંભીરતાને સમજતાં નથી.
નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પોલે કહ્યું વિશ્વ આજે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે. ભારતમાં તેને રોકવા આપણે સાથે મળીને કામ કરવું પડશે. પ્રધાનમંત્રીએ આજે સ્પષ્ટ કર્યુ છે કે ત્રીજી લહેર ક્યારે આવશે તેના પર ચર્ચા કરવાના બદલે તેનાથી કેવી રીતે બચી શકાય તેના પર ધ્યાન આપવું જોઈએ.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 16મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 31,443 નવા કેસ નોંધાયા હતા અને 49007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી, જ્યારે 2020 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે.
કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 9 લાખ 7 હજાર 282
કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 63 હજાર 720
કુલ એક્ટિવ કેસ - 4 લાખ 32 હજાર 778
કુલ મોત - 4 લાખ 10 હજાર 784
ગઈકાલે 17,40,325 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 43,40,58,138 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 38,14,67,646 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 40,65,862 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.