દિલ્લીમાં આવતી કાલથી લદાશે લોકડાઉન ? મહારાષ્ટ્રના મુંબઈ, પૂણે, અહમદનગરમાં લોકડાઉન ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
Lockdown News: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દિલ્હીમાં આવતીકાલથી લોકડાઉન લાદવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. જેના કારણે કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ, વીકેન્ડ લોકડાઉન જેવા નિયંત્રણો મુકવામાં આવ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દિલ્હીમાં આવતીકાલથી લોકડાઉન લાદવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં દિલ્હીમાં આવતીકાલે સવારથી લોકડાઉન લાદવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસના કારણે મુંબઈ, પૂણે, અહમદનગરમાં લોકડાઉન નાંખવામાં આવી શકે તેમ જણાવાયું છે. આ વીડિયો વાયરલ થયા બાદ પીઆઈબી ફેક્ટ ચેકે સ્પષ્ટતા કરી હતી. જે મુજબ આ વીડિયો ગત વર્ષનો છે. આ એક જૂની ન્યૂઝ ક્લિપ છે અને કોઈપણ જાતના તથ્ય વગર શેર કરવામાં આવી રહી છે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 56,211 નવા કેસ અને 271 લોકોના મોત થયા છે. જ્યારે 37,028 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,20,95,855 થયા છે. જ્યારે 1,13,93,021 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,40,720 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,62,114 છે. દેશમાં કુલ 6,11,13,354 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.
પીઆઈબી ફેક્ટ ચેક શું કરે છે કામ
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.