(Source: Poll of Polls)
Rajasthan Rain: રાજસ્થાનમાં ભારે વરસાદથી જળબંબાકાર, જયપુરના રસ્તાઓ પાણીમાં ગરકાવ
હવામાન વિભાગે જયપુર અને ભરતપુરમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 2 ઑગસ્ટ સુધી ભારે વરસાદ વરસવાનું અનુમાન છે.
રાજસ્થાનના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જયપુરથી લઈ કોટા-ઝાલાવાડ સુધીના વિસ્તારમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ સાથે જ હવામાન વિભાગે જયપુર અને ભરતપુરમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 2 ઑગસ્ટ સુધી ભારે વરસાદ વરસવાનું અનુમાન છે.
આજે સવારથી જ રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરુઆત થઈ હતી. જયપુરમાં ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેન પણ રદ કરવામાં આવી છે. ચારદીવારી, સીકર રોડ, કલેક્ટ્રેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. સીકર રોડ પર બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા છે. જેના કારણે વાહનોની અવરજવર રોકવાની ફરજ પડી હતી. સાથે જ ટોંક રોડ, એમઆઈ રોડ, પરકોટ વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. સીકરના ફતેહપુર, શ્રીમાઘોપુર અને લોસલમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે કાનોતા બંધ પણ ઓવરફ્લો થયો છે.
રાજધાની જયપુરમાં હાલ બેહાલ
રાજધાની જયપુરમાં કેટલાક કલાકો સુધી પડેલા ભારે વરસાદ બાદ સ્થિતિ ઘણી વણસી ગઈ છે. આખા શહેરમાં ઠેર-ઠેર પાણી જ પાણી છે. બસો, કાર અને અન્ય વાહનો રસ્તા પર ડૂબી ગયેલા જોવા મળે છે. ઘણી જગ્યાએ ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે મોટાભાગના બજારો બંધ કરવાની ફરજ પડી છે.
જયપુરમાં રાજસ્થાનની સૌથી મોટી એસએમએસ હોસ્પિટલની હાલત પણ દયનીય બની ગઈ છે. હોસ્પિટલની છત પરથી પાણી ટપકતું જોવા મળ્યું છે, જેના કારણે દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. રાબેતા મુજબ સીકર રોડ પર ચારેબાજુ પાણી જ પાણી છે. પિંક સિટીના અંતરિયાળ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વિવિધ સ્થળોએ જામ અને ખરાબ રસ્તાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે.
જયપુરમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે મોટી ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે ટ્વિટ કર્યું છે કે 2 જયપુર અને ભરતપુર ડિવિઝનના જિલ્લાઓમાં ભારે વરસાદની પ્રબળ સંભાવના છે. રાજ્યના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial