ઓમિક્રોનના ખતરા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો શું લગાવાયા કડક પ્રતિબંધો
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સતત વધી રહેલા કેસને લઈ મહારાષ્ટ્ર સરકારે નવી કોવિડ માર્ગદર્શિકા જાહેર કરી છે.
મુંબઈ: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સતત વધી રહેલા કેસને લઈ મહારાષ્ટ્ર સરકારે નવી કોવિડ માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ, રાજ્યભરના જાહેર સ્થળોએ રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી 5 થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હોલમાં થતા લગ્નોમાં ફક્ત 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે જ્યારે આઉટડોર લગ્નોમાં 250 થી વધુ લોકો હાજર નહી રહી શકે, જીમ, સ્પા માટે 50% ક્ષમતા રાખવામાં આવી છે. હોટેલ, થિયેટર અને સિનેમા હોલમાં પણ 50 ટકા ક્ષમતા નક્કી કરવામાં આવી છે.
કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને હરિયાણા સહિત ઘણા રાજ્યોએ રાત્રિ કર્ફ્યુની સાથે ઘણા નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. આ પહેલા ગુરુવારે મધ્યપ્રદેશ સરકારે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સરકાર ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં ભાગ ન લેવા માટે સતત અપીલ કરી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 358 કેસની પુષ્ટિ થઈ છે અને આ પ્રકાર સતત ફેલાઈ રહ્યો છે. આજે મહારાષ્ટ્રમાં 20 નવા કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં આજે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ અનુસાર રાજ્યભરમાં એક જગ્યાએ 5 થી વધુ લોકોની હાજરી પર પ્રતિબંધ રહેશે. કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈપણ કાર્યક્રમમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આયોજકને 50 હજારનો દંડ ભરવો પડશે. આદેશ અનુસાર, 50 ટકા લોકોને જિમ, સ્પા, સિનેમા હોલમાં પ્રવેશ આપવામાં આવશે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવાની સૂચના આપી છે. રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ લાગુ રહેશે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. ખેડામાં ઓમિક્રોનના નવા 3 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. નાઇઝીરિયા અને દુબઇથી આવેલા બે પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે અને તેમના સેમ્પલમાં ઓમિક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. આ બંને પુરુષમાં એક બોપલ અને એક બોડકદેવનો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બે કેસ સાથે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 9 કેસ થયા છે. આજે રાજ્યમાં નવા 13 કેસ સાથે કુલ કેસની સંખ્યા 43 પર પહોંચી છે.