રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ: દેશના 99% લોકો નથી જાણતા આ 6 પાવરફુલ અધિકારો, છેતરાતા બચવા આજે જ જાણો
National Consumer Rights Day ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અને જાગૃતિનો અભાવ. સલામતી અને પસંદગીનો અધિકાર: ગ્રાહકોનું સુરક્ષા કવચ.

National Consumer Rights Day: 24 ડિસેમ્બરે સમગ્ર દેશમાં 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવશે. બજારમાં રાજા ગણાતો ગ્રાહક ઘણીવાર પોતાની અજ્ઞાનતાને કારણે છેતરાય છે. ભારત સરકારના ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ દરેક નાગરિકને 6 વિશેષ અધિકારો મળેલા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે 99% લોકો તેનાથી અજાણ છે. આ લેખમાં જાણો તમારા હકો અને સુરક્ષા કવચ વિશે.
ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને બજારમાં થતી ગેરરીતિઓ અને છેતરપિંડી સામે જાગૃત કરવાનો છે. આપણે સૌ કોઈને કોઈ રીતે ગ્રાહક છીએ, છતાં ખરીદી કરતી વખતે આપણે આપણા કાનૂની અધિકારો પ્રત્યે બેદરકાર હોઈએ છીએ. વેપારીઓ અને મોટી કંપનીઓ ઘણીવાર ગ્રાહકોની આ અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવે છે. આ શોષણને અટકાવવા માટે કેન્દ્ર સરકારે 'ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019' લાગુ કર્યો છે, જે ગ્રાહકોને 6 મજબૂત અધિકારો પ્રદાન કરે છે. જો તમે આ અધિકારો જાણતા હશો, તો કોઈ તમને છેતરી શકશે નહીં.
1. સલામતીનો અધિકાર (Right to Safety) આ અધિકાર ગ્રાહકો માટે એક સુરક્ષા કવચ સમાન છે. તે સુનિશ્ચિત કરે છે કે બજારમાં વેચાતી કોઈપણ વસ્તુ કે સેવા ગ્રાહકના જીવન કે સ્વાસ્થ્ય માટે જોખમી ન હોવી જોઈએ. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ખાદ્ય પદાર્થો અને દવાઓના કિસ્સામાં આ અત્યંત મહત્વનું છે. જો કોઈ પ્રોડક્ટના કારણે ગ્રાહકને ઈજા થાય, બીમારી થાય કે જીવનું જોખમ ઊભું થાય, તો ગ્રાહક કંપની સામે વળતરનો દાવો કરી શકે છે.
2. માહિતી મેળવવાનો અધિકાર (Right to Information) કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી એ ગ્રાહકનો હક છે. ઉત્પાદનની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, ધોરણો અને કિંમત વિશે ગ્રાહકને સાચી માહિતી મળવી જ જોઈએ. જો કોઈ કંપની પેકેટ પર ખોટી માહિતી છાપે છે અથવા વેપારી અધૂરી માહિતી આપીને માલ પધરાવે છે, તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવે છે. પારદર્શિતા એ આ અધિકારનો મુખ્ય પાયો છે.
3. પસંદગીનો અધિકાર (Right to Choose) બજારમાં ગ્રાહકને પોતાની મરજી મુજબ વસ્તુ પસંદ કરવાની સ્વતંત્રતા છે. કોઈ પણ દુકાનદાર કે કંપની ગ્રાહક પર ચોક્કસ પ્રોડક્ટ ખરીદવા માટે દબાણ કરી શકે નહીં. ઘણીવાર 'બંડલ ઓફર' ના નામે બિનજરૂરી વસ્તુઓ ગ્રાહકને પધરાવવામાં આવે છે, જેની સામે આ અધિકાર રક્ષણ આપે છે. વિવિધ વિકલ્પોની તુલના કરવી અને યોગ્ય લાગે તો જ ખરીદવું એ ગ્રાહકનો અધિકાર છે.
4. રજૂઆત અથવા સુનાવણીનો અધિકાર (Right to be Heard) જો ખરીદી પછી ગ્રાહકને લાગે કે તેની સાથે અન્યાય થયો છે અથવા સેવામાં ખામી છે, તો તે પોતાનો અવાજ ઉઠાવી શકે છે. ગ્રાહક ફોરમમાં તે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને તેની વાત સાંભળવામાં આવે તેવી અપેક્ષા રાખી શકે છે. આ અધિકાર ખાતરી આપે છે કે કંપનીઓએ ગ્રાહકની ફરિયાદોને ગંભીરતાથી લેવી પડશે અને તેને અવગણી શકાશે નહીં.
5. ફરિયાદ નિવારણનો અધિકાર (Right to Seek Redressal) માત્ર ફરિયાદ કરવી પૂરતી નથી, તેનું નિરાકરણ આવવું પણ જરૂરી છે. આ અધિકાર ગ્રાહકને નુકસાન સામે વળતર અપાવે છે. જો કોઈ સામાન ખામીયુક્ત નીકળે કે સેવામાં છેતરપિંડી થાય, તો ગ્રાહક કોર્ટ દોષિત વેપારી કે કંપનીને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે અને ગંભીર કિસ્સામાં 6 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે. આ સૌથી શક્તિશાળી અધિકાર છે.
6. ગ્રાહક શિક્ષણનો અધિકાર (Right to Consumer Education) એક જાગૃત ગ્રાહક જ સુરક્ષિત ગ્રાહક બની શકે છે. આ અધિકારનો હેતુ ગ્રાહકોને કાયદાઓ અને તેમના હકો વિશે સતત શિક્ષિત કરવાનો છે. 'જાગો ગ્રાહક જાગો' અભિયાન આનો જ એક ભાગ છે. જ્યારે ગ્રાહક શિક્ષિત હશે, ત્યારે જ તે લોભામણી જાહેરાતો અને ખોટા દાવાઓથી બચી શકશે.





















