પહલગામ હુમલાના સ્થળે સેના કેમ તૈનાત નહોતી? સરકારે સર્વપક્ષીય બેઠકમાં આપ્યું મોટું કારણ
વિપક્ષે સુરક્ષા દળોની ગેરહાજરી પર ઉઠાવ્યા સવાલ, સરકારે કહ્યું - અમરનાથ યાત્રા પહેલા જ ટૂર ઓપરેટરોએ પ્રવાસીઓને મોકલ્યા અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ ન કરી.

Pahalgam terror attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસારન ખીણમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ દેશભરમાંથી સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને, હુમલા સમયે બૈસારન ખીણ જેવા મહત્વના પર્યટન સ્થળે સેનાના જવાનો કે સુરક્ષા દળો કેમ તૈનાત નહોતા, તે અંગે વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારને આકરા પ્રશ્નો પૂછ્યા હતા. કેન્દ્ર સરકારે ૨૪ એપ્રિલના રોજ દિલ્હીમાં બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં આ અંગે ખુલાસો કર્યો હતો અને એક મોટું કારણ સામે આવ્યું છે.
પહલગામ આતંકી હુમલા બાદ રાજકીય પક્ષોને પરિસ્થિતિથી વાકેફ કરવા અને તેમના મંતવ્યો જાણવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઔપચારિક રીતે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આતંકવાદી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત થયા ત્યારે બાયસરનમાં સુરક્ષા દળોની ગેરહાજરી કેમ હતી? સૈનિકો ત્યાં કેમ તૈનાત ન હતા? રાહુલ ગાંધીના આ સવાલનું સમર્થન રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિત અન્ય ઘણા નેતાઓએ પણ કર્યું હતું.
સરકારે સુરક્ષા દળોની ગેરહાજરી અંગેનો જવાબ આપ્યો
NDTVના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠકમાં બૈસારન ખીણમાં સુરક્ષા દળોની ગેરહાજરી અંગેના પ્રશ્નનો જવાબ આપ્યો હતો અને તેના પાછળનું કારણ સ્પષ્ટ કર્યું હતું.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે, બૈસારન ખીણને સામાન્ય રીતે જૂનમાં શરૂ થનારી અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા સુરક્ષિત કરવામાં આવે છે. આ પછી જ યાત્રા માટે સત્તાવાર માર્ગ ખોલવામાં આવે છે અને અમરનાથ ગુફાના માર્ગમાં આરામ કરવા માટે રોકાતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સુરક્ષા દળો પણ ત્યારે જ તૈનાત કરવામાં આવે છે.
સરકારના જણાવ્યા અનુસાર, સ્થાનિક ટૂર ઓપરેટરોએ અમરનાથ યાત્રા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે તે પહેલા જ, ૨૦ એપ્રિલથી પ્રવાસીઓને બૈસારન ખીણમાં લઈ જવાનું શરૂ કરી દીધું હતું. સર્વપક્ષીય બેઠકમાં, સરકારી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સ્થાનિક ટૂર ઓપરેટરો દ્વારા પ્રવાસીઓની આ વહેલી અવરજવર વિશે સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી ન હતી. આ કારણોસર, પ્રવાસીઓની સુરક્ષા માટે તે સમયે બૈસારન ખીણમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા ન હતા.
આમ, સરકારે સુરક્ષા દળોની ગેરહાજરીનું મુખ્ય કારણ સ્થાનિક ટૂર ઓપરેટરો દ્વારા નિયત સમય કરતાં વહેલા અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ કર્યા વિના પ્રવાસીઓને બૈસારન ખીણમાં મોકલવાનું જણાવ્યું છે. આ ખુલાસો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ રૂપે સર્વપક્ષીય બેઠકમાં આપવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને સ્થાનિક વહીવટીતંત્ર તથા ટૂર ઓપરેટરો વચ્ચેના સંકલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.





















