PM Internship Scheme: સરકારે લોન્ચ કરી 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ', યુવાઓને દર મહિને મળશે 5000 રૂપિયા
PM Internship Scheme: આ યોજના હેઠળ ઇન્ટર્નશિપ માટે પસંદ કરાયેલા યુવાનોને મહિને 5,000 રૂપિયાની નાણાકીય સહાય મળશે
PM Internship Scheme: યુવાનોને રોજગારી યોગ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે ગુરુવારે પ્રાયોગિક ધોરણે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ઇન્ટર્નશિપ માટે પસંદ કરાયેલા યુવાનોને મહિને 5,000 રૂપિયાની નાણાકીય સહાય મળશે. આ યોજનાનો પ્રસ્તાવ નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કર્યો હતો.
યોજના હેઠળ યુવાનોને ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય પાંચ વર્ષના સમયગાળામાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો છે.
દર મહિને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે
આ ઉપરાંત તેમને ઇન્ટર્નશીપમાં જોડાવા માટે 6,000 રૂપિયાની એક વખતની નાણાકીય સહાય આપવામાં આવશે અને ત્યારબાદ એક વર્ષ માટે દર મહિને 5,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં 1.25 લાખ ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાની યોજના છે. 800 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
વાસ્તવમાં ઘણી કંપનીઓએ આ યોજનામાં રસ દાખવવાનું શરૂ કર્યું છે. થોડા દિવસો પહેલા ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ EaseMyTrip એ જાહેરાત કરી હતી કે તે સરકારની પ્રસ્તાવિત ઇન્ટર્નશિપ યોજનાનું સમર્થન કરવા માટે આગામી 3-6 મહિનામાં ભારતભરમાં 500થી વધુ ઇન્ટર્નને નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે
- કંપનીઓ 10 ઓક્ટોબર સુધીમાં તેમની જરૂરિયાતો અને ઈન્ટર્નશિપ પોસ્ટ વિશે માહિતી આપશે. રસ ધરાવતા યુવાનો 12મી ઓક્ટોબરની મધ્યરાત્રિથી www.pminternship.mca.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની યાદી 26મી ઓક્ટોબર સુધીમાં કંપનીઓને આપવામાં આવશે.
- જો કે પોર્ટલ માત્ર પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે પરંતુ સરકારે ઈન્ટર્નની અરજી માટે પોર્ટલ શરૂ કરવા માટે વિજયાદશમીનો શુભ દિવસ પસંદ કર્યો છે.
- અત્યાર સુધીમાં 111 કંપનીઓ તેમાં જોડાઈ છે અને તેમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, તેલંગણા અને ગુજરાત રાજ્યોનો સમાવેશ થાય છે.
- આજ સવાર સુધીમાં વેબસાઇટ પર પહેલેથી જ 1077 ઑફર્સ છે અને કંપનીઓએ ઉત્પાદન સંબંધિત અને મેઇન્ટેનન્સ સંબંધિત ખાલી જગ્યાઓ માટે પસંદગીઓ શેર કરી છે.
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી 26મી ઓક્ટોબર સુધી ઉપલબ્ધ રહેશે. કંપનીઓ 27 નવેમ્બર સુધીમાં અંતિમ પસંદગી કરશે અને 2 ડિસેમ્બર, 2024થી 12 મહિના માટે ઇન્ટર્નશિપ શરૂ થશે.
ઇન્ટર્નશિપ માટે પસંદ કરાયેલા યુવાનોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા કવચ આપવામાં આવશે. આના માટે સરકાર પ્રીમિયમ ચૂકવશે આ સિવાય કંપનીઓ પસંદગીના ઉમેદવારને વધારાનો અકસ્માત વીમો પણ આપી શકે છે.
યોજનાને લગતા નિયમો શું છે?
યોજનાનો લાભ મેળવવા માટે યુવાનોએ કેટલાક માપદંડોનું પાલન કરવું પડશે. આ માપદંડ વિના આ યોજનાનો લાભ મેળવવો મુશ્કેલ છે. આ યોજના હેઠળ ઈન્ટર્નની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમજ તેના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. હાલમાં ઔપચારિક ડિગ્રી કોર્સ અથવા કામ કરતા ઉમેદવારો આ ઇન્ટર્નશિપ યોજનાનો ભાગ બની શકશે નહીં. જો કે, આ ઉમેદવારો ઑનલાઇન અભ્યાસક્રમો અથવા વ્યાવસાયિક તાલીમમાં જોડાઈ શકે છે.