PM Modi : PM મોદીના CBIને આડકતરા આદેશ, "દેશમાં એક પણ ભ્રષ્ટાચારી બચવો ના જોઈએ"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણી પ્રસંગે કેન્દ્રીય એજન્સીને પ્રોત્સાહિત કર્યા હતા.
CBI Diamond Jubilee Celebration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણી પ્રસંગે કેન્દ્રીય એજન્સીને પ્રોત્સાહિત કર્યા હતા. પીએમએ સીબીઆઈને 'સત્ય, ન્યાયની બ્રાન્ડ' ગણાવી હતી અને કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ન્યાય માટે એક બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે અને તેણે સામાન્ય નાગરિકને આશા અને શક્તિ આપી છે. સાથે જ તેમણે સીબીઆઈને આડકતરો ઈશારો કરતા કહ્યું હતું કે, દેશમાં એક પણ ભ્રષ્ટાચારી બચવો ના જોઈએ.
કેન્દ્રીય એજન્સીના ડાયમંડ જ્યુબિલી સમારોહને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, સીબીઆઈએ સામાન્ય નાગરિકને આશા અને શક્તિ આપી છે. લોકો સીબીઆઈ તપાસની માંગ સાથે વિરોધ કરે છે કારણ કે, સીબીઆઈ સત્ય અને ન્યાય માટે એક બ્રાન્ડ તરીકે ઉભરી છે. CBIની સ્થાપના 1 એપ્રિલ 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીનો વ્યાપ અનેકગણો વધી ગયો છે પરંતુ CBIની મુખ્ય જવાબદારી દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની છે. ભારત સીબીઆઈ જેવી વ્યાવસાયિક અને કાર્યક્ષમ સંસ્થાઓ વિના પ્રગતિ કરી શકતું નથી. બેંક છેતરપિંડીથી લઈને વન્યજીવન સંબંધિત છેતરપિંડી સુધી સીબીઆઈના કાર્યનો વ્યાપ અનેકગણો વધી ગયો છે. પરંતુ સીબીઆઈની મુખ્ય જવાબદારી દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની છે.
કેન્દ્રમાં અગાઉની સરકારો પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું હતું કે, ભ્રષ્ટાચારે 2014 પહેલાના સમયગાળામાં આપણી અર્થવ્યવસ્થા અને બેંકિંગ સિસ્ટમનો આધાર બગાડ્યો હતો. દસ વર્ષ પહેલા ભ્રષ્ટાચાર કરવાની રેસ હતી. તે દરમિયાન મોટા કૌભાંડો થયા, પરંતુ આરોપીઓ ગભરાયા નહીં કારણ કે સિસ્ટમ તેમની સાથે ઉભી હતી પરંતુ 2014 બાદ અમે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારના મૂળ સામે લડ્યા અને કાળા નાણાનોની જમાખોરી વિરૂદ્ધ મિશન મોડમાં કામ કર્યું.
તેમણે કહ્યું હતું કે, જ્યાં ભ્રષ્ટાચાર હોય છે, યુવાનોને યોગ્ય તકો મળતી નથી. ત્યાં એક વિશેષ ઇકોસિસ્ટમ ખીલે છે. ભ્રષ્ટાચાર પ્રતિભાનો સૌથી મોટો દુશ્મન છે અને અહીંથી જ ભત્રીજાવાદ અને પરિવારવાદ મજબૂત થાય છે. સરકારે વ્યવસ્થાઓમાં અત્યંત પારદર્શિતા સુનિશ્ચિત કરી છે અને 2G અને 5G સ્પેક્ટ્રમની ફાળવણીની પ્રક્રિયા તેના પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દેશમાં અવિશ્વાસ અને નીતિવિષયક લકવોનો સમય હતો પરંતુ 2014થી સરકારનું પ્રાથમિક લક્ષ્ય સિસ્ટમમાં લોકોના વિશ્વાસને પુનઃસ્થાપિત કરવું, તેનું જતન કરવું અને મજબૂત કરવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીઆઈને વિશ્વાસ બંધાવતા કહ્યું હતું કે, હું જાણું છું કે તમે જેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છો તે લોકો ખૂબ જ શક્તિશાળી છે. તેઓ વર્ષોથી સરકાર અને સિસ્ટમનો ભાગ રહ્યાં છે. આજે પણ તેઓ કેટલાક રાજ્યોમાં સત્તામાં છે, પરંતુ તમારે (CBI)તમારા કામ પર ધ્યાન આપવું પડશે. કોઈપણ ભ્રષ્ટ વ્યક્તિને બક્ષવામાં ન આવે.
આ પ્રસંગે વડાપ્રધાને CBIના 18 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ તપાસ અધિકારીઓ માટે ત્રણ અધિકારીઓને ગોલ્ડ મેડલ પણ અર્પણ કર્યા હતા. વડાપ્રધાને શિલોંગ, પુણે અને નાગપુર ખાતે સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પોસ્ટેજ સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો. પીએમ મોદીએ સીબીઆઈનું ટ્વિટર હેન્ડલ પણ લોન્ચ કર્યું.