(Source: ECI/ABP News/ABP Majha)
મોદી કેટલા વાગ્યે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરશે ? ખૂલ્યું સસ્પેન્સ, કેમ માત્ર 20 મિનિટમાં આટોપાશે કાર્યક્રમ ?
સોમવારે સવારે બહાર આવેલી વિગતો પ્રમાણે મોદી અત્યંત શુભ મનાતા મુહૂર્ત રેવતી નક્ષત્રમાં સોમવારે બપોરે 1:37 વાગ્યાથી 1:57 વાગ્યા સુધીમાં શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરશે.
વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોવારે શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરવાના છે. મોદી કેટલા વાગ્યે ઉદઘાટન કરશે તેનો સમય જાહેર કરાયો નથી અને સસ્પેન્સ રખાયું છે. મોદીના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક શ્રી કાશી વિશ્વનાથ ધામ પ્રવાસીઓ માટે આકર્ષણ બનશે.
સોમવારે સવારે બહાર આવેલી વિગતો પ્રમાણે મોદી અત્યંત શુભ મનાતા મુહૂર્ત રેવતી નક્ષત્રમાં સોમવારે બપોરે 1:37 વાગ્યાથી 1:57 વાગ્યા સુધીમાં શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરશે. માત્ર 20 મિનિટના આ અત્યંત શુભ મુહૂર્તમાં શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરી દેવાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ સંકુલમાં ગંગા નદીના તટથી જળ લઈને પગપાળા પહોંચશે. મોદી આશરે 40 મિનિટ સુધી સંકુલમાં ફરીને નીરિક્ષણ કરશે. શ્રી કાશી વિશ્વનાથ ધામ 50 હજાર ચોરસફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. શ્રી કાશી વિશ્વનાથ ધામના વિકાસ, વિસ્તરણ અને સૌંદર્યીકરણ માટે આશરે રૂ. 800 કરોડનો ખર્ચ કરાયો છે. આ પૈકી 350 કરોડનો ખર્ચ તો મંદિરની આસપાસનાં મકાનો ખરીદવા જ કરાયો છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદી બાબા વિશ્વનાથનાં દર્શન પૂજન કરીને સંકુલનું લોકાર્પણ કરશે. બાદમાં મોદી મંદિરના ચોકમાં દેશના 200 અગ્રણી સંત-મહાત્મા અને 200 વિદ્વાનોને સંબોધિત કરશે. મોદી સાંજે ક્રૂઝમાં ગંગા ભ્રમણ કરીને વિવિધ ઘાટ પર 11 લાખ દીપને નિહાળશે. દશાશ્વમેધ ઘાટ સામે તેઓ ગંગા આરતીમાં પણ ભાગ લેશે.
મોદી સાથે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ ભાજપ શાસિત 11 રાજ્યના મુખ્યમંત્રી, નવ નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહેશે. ક્રૂઝ પર વડાપ્રધાન તેમની સાથે ચર્ચા પણ કરશે.
રાત્રે લેઝર શૉ અને આતશબાજી પણ કરાશે. લોકાર્પણ કાર્યક્રમ પછી ધામના નિર્માણમાં પરસેવો વહાવનારા 2300 શ્રમિક સાથે વડાપ્રધાન ફોટોગ્રાફી કરાવશે. આ સમારંભ માટે શહેરમાં આશરે 80 મોટી તેમજ 800 નાની-મોટી હોટલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ ભરાઈ ગઈ છે.