શોધખોળ કરો
સર્જિકલ સ્ટ્રાઈક પર બોલ્યા મોદી, ‘જે પહેલા ઈઝરાયલ કરતું હતું, આજે ભારતે કર્યું બતાવ્યું’

મંડી: પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વખત હિમાચલ પ્રવાસ પર પહોંચેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મંડીમાં એક સભાને સંબોધિત કરતા પીઓકેમાં સેના તરફથી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરી હતી. સભાને સંબોધતા પીએમે કહ્યું- આજે આખી દુનિયામાં ભારતીય સેનાના પરાક્રમની ચર્ચા થઈ રહી છે. જેના કારણે આજે આખા દેશને સેના પર ગર્વ છે. પીએમ મોદીની આ રેલીમાં ભારે સંખ્યામાં લોકો એકઠા થયા હતા, ત્યારે મોદીએ કહ્યું, “હિમાચલ માત્ર દેવભૂમિ જ નહીં પરંતુ વીરભૂમિ પણ છે. મને દેવભૂમિ પર તમારા દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, અને તમે અહીં આવ્યા તે બદલ હું તમારો આભારી છું.” આજે આખી દુનિયામાં ભારતીય સેનાના પરાક્રમની ચર્ચા થઈ રહી છે. પહેલા ઈઝરાયેલની ચર્ચા થતી હતી અને આજે ભારતીય ફોજની ચર્ચા થઈ રહી છે. આજે અહીં દરેક પરિવારમાં એક જવાન છે, હું તે જવાનો અને વીરોને નમસ્કાર કરું છું.” અગાઉ પહેલા પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં ત્રણ જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્દઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું, “ જે ત્રણ જળવિદ્યુત પરિયોજનાનું આજે મેં ઉદ્દઘાટન કર્યું છે, તેનું લોકાર્પણ અટલજીના કાર્યકાળ દરમિયાન થયું હતું. ત્યારે હું એક સંગઠન પ્રભારીના રૂપમાં અહીં આવ્યો હતો. ત્યારે મેં નહોતું વિચાર્યું કે, આ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરવાનો મને મોકો મળશે.”
વધુ વાંચો





















