Punjab Election: CM ચન્નીની મોટી જાહેરાત- જો કોગ્રેસની સરકાર બનશે તો દર વર્ષે આઠ ગેસ સિલિન્ડર મફતમાં આપશે
આ સાથે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શનિવારે પ્રચાર દરમિયાન કેપ્ટન અમરિંદર, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પર પણ નિશાન સાધ્યું હતું
Punjab Assembly Election 2022: પંજાબમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. સત્તાધારી કોંગ્રેસ અને તમામ વિપક્ષી પાર્ટીઓ લોકોને વચનો આપવામાં વ્યસ્ત છે. પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવા માટે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ જો ફરીથી કોગ્રેસની સરકાર આવશે તો લોકોને મફત ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓની વિશેષ કાળજી રાખીને આર્થિક મદદ પણ કરવામાં આવશે.
મફતમાં 8 ગેસ સિલિન્ડર આપવાનું વચન
પંજાબના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે જો રાજ્યમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનશે તો સરકાર દર વર્ષે લોકોને 8 ગેસ સિલિન્ડર મફતમાં આપશે. આ સાથે મુખ્યમંત્રી ચન્નીએ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને 1100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ પહેલા શનિવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસના ઉમેદવાર મનીષ બંસલના પક્ષમાં પ્રચાર કરવા બરનાલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે બરનાલાના લોકો એક તરફ થઇ ગયા છે અને કોગ્રેસને જીતાડવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે આ વખતે રાજ્યમાં માત્ર કોંગ્રેસની જ સરકાર બનવા જઈ રહી છે.
પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન
આ સાથે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શનિવારે પ્રચાર દરમિયાન કેપ્ટન અમરિંદર, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પર પણ નિશાન સાધ્યું હતું. નોંધનીય છે કે પંજાબની 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે.